રાજકોટ શહેર જિલ્લા સહિત રાજ્યભરમાં આવતીકાલે તા.૧૯ ડિસેમ્બરને શુક્રવારે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ થશે, મતદારો બુથ ઉપર રૂબરૂ જઇને તેમજ વેબસાઇટ ઉપર ઓનલાઇન નામ ચકાસણી કરી શકશે. તા.૧૯ ડિસેમ્બરથી ૧૮ જાન્યુઆરી સુધી મતદાર યાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે. જે ભારતના નાગરિક છે અને એસ.આઇ.આર.પછી કોઇ કારણસર ડ્રાફટ યાદીમાં નામ સામેલ થયું નથી તો તેવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નં.૬ ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો બને છે.
રાજ્યભરમાં ગણતરીના તબક્કાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ
રાજકોટ શહેર જિલ્લા સહિત ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના ગણતરીના તબક્કાની સમયમર્યાદા વધારવામાં આવી હતી. જેથી ફોર્મ પરત આવવા માટે વધુ સમય મળ્યો હતો. હાલ રાજ્યભરમાં ગણતરીના તબક્કાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. હવે કાલે તા.૧૯ ડિસેમ્બરના રોજ મુસદ્દારૂપ મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.
૪૪.૪૫ લાખ જેટલા મતદારોનું મેપીંગ થયું નથી
રાજકોટ શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ૫.૦૮ કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે પૈકી ૪.૩૪ કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે.આ તમામ ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરવામાં આવ્યું છે. ૪૪.૪૫ લાખ જેટલા મતદારોનું મેપીંગ થયું નથી.ગણતરીના તબક્કામાં રાજકોટ સહિત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી છે. જેથી સરવાળે રાજ્યની કુલ ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં ચકાસણીની ૧૦૦ ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે.
બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું
બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું. આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/BLA-BLO-Meeting.aspx ઉપર પ્રકાશિત કરવામાં આવી હતી. જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ હતી.
૩,૮૧,૫૩૪ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું
રાજકોટ શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યના ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે સમગ્ર રાજ્યમાં કુલ ૧૮,૦૭,૨૭૭ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે ૯,૬૯,૮૧૩ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, જ્યારે ૪૦,૨૬,૧૦૦ મતદારો કાયમી ધોરણે સ્થળાંતરિત થઇ ચૂક્યા હોવાનું અને ૩,૮૧,૫૩૪ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું હતું.