ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભારે તણાવની અસરો હવે મધદરિયે જોવા મળી રહી છે. ઓમાનના દરિયાકાંઠે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી સ્થિત ‘MSV Quba’ નામના ભારતીય જહાજ પર એક સશસ્ત્ર ડ્રોન હુમલો થયો છે. ડ્રોન અફળાવવાના કારણે જહાજમાં જોરદાર વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગી ગઈ હતી, જેના પરિણામે સમગ્ર જહાજ સળગી ઉઠ્યું હતું.
હુમલાની ઘટના બની તે સમયે જહાજ પર કુલ ૧૩ ખલાસીઓ સવાર હતા. ઘટના બાદ સમયસૂચકતા અને તાત્કાલિક બચાવ કામગીરીના કારણે ૧૧ ખલાસીઓને સળગતા જહાજમાંથી હેમખેમ અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. જોકે, આ દુર્ઘટનામાં ૨ ખલાસીઓ ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
કચ્છના માંડવી શહેર સાથે જોડાયેલા આ જહાજ પર થયેલા અચાનક હુમલાને પગલે સ્થાનિક બારદાન અને શિપિંગ ઉદ્યોગ તેમજ ખલાસીઓના પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર ભારતીય જહાજોની સુરક્ષાને લઈને પણ હવે ગંભીર સવાલો ઊભા થયા છે અને સબંધિત સુરક્ષા એજન્સીઓ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે.