BREAKING NEWS

ગુજરાતમાં બાયો-CNG પ્લાન્ટ સ્થાપવા GPCBના મુક્તિપત્ર મેળવવાની જરૂર નહીં રહે, ઉદ્યોગો માટે પ્રક્રિયા અત્યંત સરળ

  • October 29, 2026 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉદ્યોગો માટેની પ્રક્રિયા સરળ બનાવવા અને સ્વચ્છ ઊર્જાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પાત્ર કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) અને બાયો-CNG પ્લાન્ટને લગતી પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. આ માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા સુધારવામાં આવેલા વ્હાઇટ કેટેગરીના વર્ગીકરણનો અમલ સરળ બનાવવામાં આવ્યો છે.

CPCBના સુધારેલા વર્ગીકરણ મુજબ, નિર્ધારિત કાચા માલનો ઉપયોગ કરતા અને નક્કી કરેલી શરતોનું પાલન કરતા પાત્ર CBG અને બાયો-CNG પ્લાન્ટનો વ્હાઇટ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવા પ્લાન્ટને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી સ્થાપના માટેની સંમતિ અને સંચાલન માટેની સંમતિ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ જોગવાઈનો ગુજરાતમાં એકસમાન અમલ થાય તે માટે GPCB દ્વારા 28 ઓક્ટોબર, 2026ના રોજ સામાન્ય જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાથી મુક્તિ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. હવે પાત્ર એકમોએ આ મુક્તિ માટે અલગથી સ્પષ્ટતા મેળવવા કે મુક્તિપત્ર લેવા GPCBનો સંપર્ક કરવાની જરૂર રહેશે નહીં.

આ અગાઉ GPCBએ 23 ઓક્ટોબર, 2026ના રોજના પરિપત્ર દ્વારા CPCBના સુધારેલા વર્ગીકરણ મુજબ વ્હાઇટ કેટેગરીની 768 ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને ઉત્પાદનોની સુધારેલી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં નિર્ધારિત શરતો અને કાચા માલની જરૂરિયાતોને આધીન પાત્ર CBG પ્લાન્ટનો ક્રમાંક 763 અને 768 પર સમાવેશ કરવામાં આવ્યો છે.

CPCBના નિયમનકારી માળખા હેઠળ મળેલી આ મુક્તિનો ગુજરાતમાં સરળતાથી અમલ થાય તે માટે GPCBએ તમામ પાત્ર એકમોને લાગુ પડે તેવું એક જ સામાન્ય જાહેરનામું બહાર પાડ્યું છે. આથી દરેક એકમને અલગથી પત્ર મેળવવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.

આ પહેલથી બિનજરૂરી પત્રવ્યવહારમાં ઘટાડો થશે, પ્રક્રિયામાં થતો વિલંબ ટાળવામાં મદદ મળશે અને વિવિધ સરકારી યોજનાઓ, નોંધણી તથા મંજૂરીઓ માટેની અરજીઓનો નિકાલ ઝડપી બનશે તેવી અપેક્ષા છે.

મુક્તિ સાથે પર્યાવરણીય જવાબદારીઓનું પાલન પણ જરૂરી

CTE અને CTO મેળવવામાંથી મળેલી મુક્તિનો અર્થ એવો નથી કે પાત્ર એકમોને પર્યાવરણ સંબંધિત જવાબદારીઓમાંથી પણ મુક્તિ મળી ગઈ છે.

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 12 નવેમ્બર, 2024ના રોજ જાહેર કરાયેલા જાહેરનામા નંબર G.S.R. 703(E) મુજબ, વ્હાઇટ કેટેગરીના પાત્ર એકમોએ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નિર્ધારિત રીતે જાણ કરવાની અને લાગુ પડતા પર્યાવરણીય કાયદા તથા નિયમોનું પાલન થતું હોવાની સ્વ-ઘોષણા રજૂ કરવાની રહે છે.

વધુમાં કેટલીક સરકારી કચેરીઓ અને સત્તાધિકારીઓ દ્વારા ગોબરધન યુનિફાઇડ રજિસ્ટ્રેશન પોર્ટલ પર નોંધણી વખતે તેમજ અન્ય પરવાનગીઓ, નોંધણીઓ અને સરકારી નાણાકીય સહાય માટેની અરજીઓની પ્રક્રિયા દરમિયાન CBG અને Bio-CNG પ્રોજેક્ટના અરજદારો પાસેથી CTE, CTO અથવા અલગથી વાંધા ન હોવાનું પ્રમાણપત્ર (NOC) માગવામાં આવતું હતું.


આ બાબતને ધ્યાનમાં રાખીને GPCBએ સામાન્ય જાહેરનામા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે વ્હાઇટ કેટેગરીમાં આવતા પાત્ર CBG અને બાયો-CNG પ્લાન્ટ માટે સંબંધિત સરકારી વિભાગો, નોંધણી સત્તાધિકારીઓ અને અન્ય એજન્સીઓએ GPCB પાસેથી અલગથી CTE, CTO અથવા NOC માગવાની જરૂર નથી.


તેના બદલે, લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ અને નિર્ધારિત પ્રક્રિયાને આધીન રહીને, સંબંધિત સત્તાધિકારીઓ GPCBને કરવામાં આવેલી જરૂરી જાણના આધારે અરજીઓની આગળની પ્રક્રિયા કરી શકે છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન- પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીના નેતૃત્વમાં આ પહેલ દ્વારા GPCBએ પર્યાવરણના રક્ષણ માટેની જવાબદારીઓ જાળવી રાખવાની સાથે ઉદ્યોગો માટેની પ્રક્રિયા સરળ, પારદર્શક અને એકસમાન બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ ઉપરાંત, સ્વચ્છ ઊર્જાના ઉપયોગ, કચરામાંથી ઉપયોગી સંસાધનો તૈયાર કરવાની પહેલ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાના ગુજરાત સરકારના પ્રયાસોને પણ વેગ મળશે તેવી અપેક્ષા છે.
વ્હાઇટ કેટેગરીની સુધારેલી યાદી અને સંબંધિત જાહેરનામું GPCBની સત્તાવાર વેબસાઇટ gpcb.gujarat.gov.in   પર પણ‌ ઉપલબ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application