રાજકોટ શહેરમાં ગેસ સિલિન્ડરની ગેરકાયદેસર સંગ્રહખોરી અને રીફિલિંગના મોટો નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડા પાડવામાં આવી છે. ભક્તિનગર પોલીસ મથક હેઠળ આવતા આહિર ચોક નજીકના વિસ્તારમાં SMCના કાફલાએ આકસ્મિક દરોડા પાડીને મોટા પાયે ચાલી રહેલા ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ અને SMCની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ પરથી ૨૫૦થી પણ વધુ નાના-મોટા ગેસના બાટલાઓનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેમાં મોટા પ્રમાણમાં ખાલી તેમજ ગેરકાયદેસર રીતે ભરેલા (રિફિલ કરેલા) ગેસના સિલિન્ડરો સામેલ છે. અહીં લાંબા સમયથી ગેસના બાટલાઓની ગેરકાયદેસર સંગ્રહખોરી કરીને ગ્રાહકોને ઊંચા ભાવે વેચવાનું અને રીફિલિંગ કરવાનું જોખમી નેટવર્ક ચાલતું હોવાની માહિતી સામે આવી છે.
દરોડા દરમિયાન SMCની ટીમે ગેરકાયદેસર રીફિલિંગ માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ વજન કાંટા, હાઇ-પ્રેશર મોટર અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જાહેરમાં અને ગીચ વિસ્તારમાં કોઈપણ જાતની સુરક્ષા વિના કરાતા આ કૌભાંડથી મોટી હોનારત સર્જાવાનો ભય પણ સેવાઈ રહ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન SMC દ્વારા સ્થળ પરથી ૩ થી ૪ જેટલા આશંકિત લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં આ કૌભાંડ પાછળ અન્ય કયા મોટા માથા કે ગેસ એજન્સીઓના સંચાલકો સંકળાયેલા છે તે દિશામાં કડક પૂછપરછ અને કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.