આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) વતી બે લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા એક વચેટિયાને અમદાવાદ એસીબીની ટીમે સફળ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા અને પોલીસ ગુનામાં ધરપકડ નહીં કરવાના બદલામાં આ માતબર રકમની લાંચ માગવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન PSI સ્થળ પર હાજર મળ્યા નહોતા, પરંતુ વચેટિયાની કારમાંથી લાંચના પૈસા ઉપરાંત અન્ય મોટી રોકડ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
સમગ્ર ઘટનાની વિગત મુજબ, આણંદ SOG ના PSI વી.એન. રાઠોડ સામે બે લાખ રૂપિયાની લાંચ માગ્યાનો ગંભીર આરોપ પ્રસ્થાપિત થયો છે. એક ગુનાના સંદર્ભમાં ફરિયાદીનું બેંક એકાઉન્ટ સત્તાવાર રીતે ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ ફ્રીઝ થયેલું એકાઉન્ટ ફરીથી ચાલુ (અનફ્રીઝ) કરી આપવા અને તે ગુનામાં પોલીસ ધરપકડ ન કરે તે માટે પીએસઆઈ વી.એન. રાઠોડ દ્વારા આ લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ ગેરકાયદેસર અને ભ્રષ્ટ વહીવટ માટે દિલીપ પટેલ નામના પ્રજાજન વચેટિયા તરીકેની ભૂમિકા ભજવી રહ્યો હતો. આ સમગ્ર મામલે પીડિત દ્વારા એસીબી સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં આવતાં, અમદાવાદ એસીબીની ફીલ્ડ-1 ટીમ દ્વારા કિસ્સાની ગંભીરતાને પારખીને તાત્કાલિક છટકું ગોઠવવાનું આયોજન કરાયું હતું. એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ દ્વારા આ સમગ્ર ટ્રેપિંગની કામગીરી ખૂબ જ કુશળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
પૂર્વ આયોજિત વ્યૂહરચનાના ભાગરૂપે અમદાવાદ એસીબીની ટીમ આણંદ ખાતે આવેલી SOG ઓફિસના દરવાજા પાસે પહોંચી ગઈ હતી અને વોચ ગોઠવી હતી. આ દરમિયાન વચેટિયા દિલીપ પટેલે SOG ઓફિસના પ્રવેશદ્વાર નજીક પોતાની કારમાં બેસીને PSI વી.એન. રાઠોડના નામે બે લાખ રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી.
જેવી લાંચની રકમની લેવડદેવડ પૂરી થઈ કે તરત જ સાફસૂથરી ટે્પ કરી રહેલી એસીબીની ટીમે તરાપ મારીને વચેટિયા દિલીપ પટેલને દબોચી લીધો હતો અને લાંચના નાણાં પણ જપ્ત કરી લીધા હતા. જોકે, આ દરોડા દરમિયાન મુખ્ય આરોપી ગણાતા SOG ના PSI વી.એન. રાઠોડ ઘટનાસ્થળે હાજર મળી આવ્યા નહોતા. જેથી એસીબીએ પકડાયેલા વચેટિયા સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ટ્રેપ દરમિયાન સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે એસીબીની ટીમે આરોપી દિલીપ પટેલની કારની ઝીણવટભરી તલાશી લીધી. કારમાંથી લાંચના બે લાખ રૂપિયા તો મળી જ આવ્યા, પરંતુ સાથેસાથે અન્ય રૂ. ૪૯ લાખની માતબર રોકડ રકમ પણ મળી આવી હતી. અચાનક આટલી મોટી રોકડ રકમ જોઈને તપાસકર્તા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
એસીબીએ આ શંકાસ્પદ રૂ. ૪૯ લાખની રોકડ પણ જપ્ત કરી લીધી છે અને આ નાણાં ક્યાંથી આવ્યા, કોના છે તેમજ કયા ગેરકાયદેસર હેતુ માટે રાખવામાં આવ્યા હતા તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ પ્રકરણમાં PSI વી.એન. રાઠોડ અને વચેટિયા દિલીપ પટેલ બંને વિરુદ્ધ કાયદેસરની સકંજા કસાવામાં આવ્યો છે, અને અમદાવાદ એસીબીની ટીમ દ્વારા આ મામલે વધુ સઘન તપાસ જારી રાખવામાં આવી છે.