જામનગરમાં નોનવેજ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ સાતની તબિયત લથડી: ફૂડ પોઇઝનિંગની આશંકા વચ્ચે એસ.કે. રેસ્ટોરન્ટ સીલ
જામનગરમાં નોનવેજ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ સાતની તબિયત લથડી: ફૂડ પોઇઝનિંગની આશંકા વચ્ચે એસ.કે. રેસ્ટોરન્ટ સીલ
October 29, 2026 05:50 PM
જામનગરમાં નોનવેજ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ સાતની તબિયત લથડી: ફૂડ પોઇઝનિંગની આશંકા વચ્ચે એસ.કે. રેસ્ટોરન્ટ સીલ
ચિકન શાવરમા અને ફ્રાઇડ રાઇસ ખાધા બાદ અસર; મનપાના ફૂડ વિભાગે નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
જામનગર શહેરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલી એસ.કે. રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન આરોગ્યા બાદ આશરે સાત જેટલા લોકોની તબિયત લથડતાં ચકચાર મચી છે. ચિકન શાવરમા અને ફ્રાઇડ રાઇસ ખાધા બાદ અસરગ્રસ્તોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તબિયત લથડતાં તમામ અસરગ્રસ્તોને શહેરની અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે સંબંધિત રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યપ્રદ પરિસ્થિતિઓના નિયમોનું યોગ્ય પાલન થતું ન હોવાનું જણાતાં ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નિયમોનુસાર રેસ્ટોરન્ટનો વેચાણ-વ્યવહાર બંધ કરાવી દુકાનને સીલ કરવામાં આવી હતી.
આ અંગે મહાનગરપાલિકાના ફૂડ શાખાના અધિકારી નિલેશ જાસોલિયાએ જણાવ્યું હતું કે, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ સંબંધિત રેસ્ટોરન્ટ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, આ ઘટનામાં અસરગ્રસ્ત બનેલા તમામ સાત જેટલા દર્દીઓની હાલત હાલ સ્થિર હોવાનું અને તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ખાદ્ય સામગ્રીના નમૂનાઓની તપાસ બાદ ફૂડ પોઇઝનિંગની આશંકા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.