BREAKING NEWS

શેરબજારની સાથે સોના-ચાંદીમાં પણ કડાકો, ગોલ્ડમાં રૂ.4132 અને સિલ્વરના ભાવમાં રૂ. 8600નો ઘટાડો

  • September 28, 2026 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ પર સોનાનો ભાવ રૂ.૪૧૩૨ ઘટીને રૂ 1,46,749 પ્રતિ 10 ગ્રામ થયો છે. બીજી તરફ ચાંદીનો ભાવ પણ લગભગ રૂ. ૮૬૦૦ ઘટીને રૂ.2,26,101 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.


કોમેક્સ પર સોનું 2.06 ટકા ઘટીને લગભગ 4,232 ડોલર પ્રતિ ઔંસ થયું છે, જ્યારે ચાંદી 3 ટકાથી વધુ ઘટીને લગભગ 62 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે.


આજે મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,39,940 અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,52,670 પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનું રૂ.1,39,990 તથા 24 કેરેટ રૂ.1,52,720 છે. દિલ્હી, જયપુર, લખનઉ અને ચંડીગઢમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,40,090 અને 24 કેરેટનો ભાવ રૂ.1,52,820 છે.


999 શુદ્ધતાની ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. 23 સપ્ટેમ્બરે એક કિલો ચાંદી રૂ.2,32,766 હતી. 24 સપ્ટેમ્બરે તે ઘટીને રૂ.2,28,248 થઈ હતી, જ્યારે 25 સપ્ટેમ્બરે ફરી વધીને રૂ.2,32,350 પર પહોંચી હતી. આજે તેનો ભાવ રૂ.2,28,700 આસપાસ છે.


સોનાના ભાવ પર મુખ્યત્વે અમેરિકામાં વ્યાજદર અંગેની અપેક્ષાઓનો દબાણ છે. સીએમઈ ફેડવોચ અનુસાર ઓક્ટોબરમાં 0.25 ટકા વ્યાજદર વધારાની સંભાવના 68 ટકા થઈ છે, જે એક અઠવાડિયા પહેલાં 57 ટકા હતી. વ્યાજદર વધે તો વ્યાજ ન આપતા સોના પ્રત્યે રોકાણકારોનું આકર્ષણ ઘટી શકે છે.


આ ઉપરાંત અમેરિકન ટ્રેઝરી બોન્ડની યીલ્ડમાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી પણ સોના પર દબાણ વધારી રહી છે. ઊંચી યીલ્ડ અને મોંઘવારીની ચિંતાને કારણે અમેરિકામાં લાંબા સમય સુધી ઊંચા વ્યાજદર રહેવાની શક્યતા બજારમાં ચર્ચામાં છે.


જોકે, સેન્ટ્રલ બેંકોની સોનાની ખરીદી ભાવને થોડો ટેકો આપી રહી છે. ચીનની સેન્ટ્રલ બેંકે ઓગસ્ટમાં 20.2 ટન સોનું ખરીદ્યું હતું. ડોલર અને બોન્ડ યીલ્ડમાં નરમાઈ અથવા ભૂરાજકીય તણાવ વધે તો સોનાના ભાવને ફરી ટેકો મળી શકે છે. હાલ ઊંચી યીલ્ડ અને વ્યાજદર વધવાની અપેક્ષા કિંમતી ધાતુઓ માટે મુખ્ય પડકાર બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application