BREAKING NEWS

નશામાં ધૂત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલનો કાંડ, સુરતમાં બેફામ કાર ચલાવી બે બાઇકને ઉડાડી, લોકોએ પકડીને લમધાર્યો

  • January 23, 2026 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલની કાર બેકાબૂ બની હતી અને બે બાઇક સવારોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બંને બાઇક સવારોને ગંભીર ઇજાઓ પહોંચી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હિરેન પટેલ દારૂના નશામાં ધૂત હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. મોટા વરાછાના વ્યસ્ત માર્ગ પર તેની કાર અચાનક દિશા બદલીને સામે આવતી બે બાઇક સાથે અથડાઈ હતી. અથડામણ એટલી ભારે હતી કે બંને બાઇક સવારો રસ્તા પર ફેંકાઈ ગયા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તુરંત જ ઈજાગ્રસ્તોને બચાવવાની કામગીરી હાથ ધરી અને એમ્બ્યુલન્સ મારફતે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ બંને ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તબીબી ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી છે.


સ્થાનિકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો

ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કાર ચલાવનાર ઇન્ફ્લુએન્સરને સ્થળ પર જ પકડી લીધો હતો. ગુસ્સામાં ભરાયેલા લોકોએ રસ્તા પર જ તેને બરાબરો મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સુરત પોલીસનો કાફલો સ્થળે પહોંચી ગયો હતો.


પોલીસે હાથ ધરી તપાસ

પોલીસે પરિસ્થિતિ સંભાળી ઇન્ફ્લુએન્સરને કસ્ટડીમાં લઈ લીધો હતો અને ભીડને શાંત કરી હતી. પોલીસ દ્વારા કાર અને ઘટનાસ્થળની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે દારૂ પીધા બાદ વાહન ચલાવવાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.


આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં દારૂ પીધા બાદ વાહન ચલાવવાના જોખમોને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરે અને નશામાં વાહન ચલાવી પોતાનું તથા અન્યનું જીવન જોખમમાં ન મૂકે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News