રાજકોટ શહેરમાં પેડક રોડ પર બાઇકને ઠોકરે ચડાવી દંપતીને ઇજા પહોંચાડવાના અકસ્માત કેસમાં અદાલતે આરોપી ડમ્પર ચાલકને નિર્દોષ મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા રણછોડભાઈ રામજીભાઈ ગોરવાડીયા અને તેમના પત્ની સરોજબેન ગોરવાડીયા તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે પોતાના મોટર સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે પેડક રોડ પર ગુજરાત ગેસના પંપ પાસે ડમ્પર ચાલક ઓસમાણભાઈ ઈસ્માઈલભાઈ અબડા (રહે. આરીખાણા, તા. નલીયા)એ પૂરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જીને તેમને ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે સરોજબેન ગોરવાડીયાએ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાર્જશીટ બાદ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી ઓસમાણભાઈ ઈસ્માઈલભાઈ અબડાને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ ત્રિમૂર્તિ કુમાર રાજેન્દ્રપ્રસાદ રોકાયા હતા.