જામનગર સહિત સમગ્ર હાલારમાં આવતીકાલે દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, અનેક સ્થળોએ ખાતુમુર્હુત અને સારા પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે, આવતીકાલે પ્રદર્શન મેદાનમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન થશે, બીજી તરફ સવારે રાજપૂત સેવા સમાજ, આદ્યશકિત ગરબી મંડળ સહિત આરએસએસ દ્વારા આશરે ૧૧ સ્થળોએ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, દશેરાને લઇને મીઠાઇ બજાર પણ ગરમ બની છે.
જાણવા મળતી માહિતી મુજબ રાજપૂત સેવા સમાજ લાલબંગલા ખાતે આવતીકાલે સવારે ૮:૩૦ વાગ્યે શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં સમાજના અગ્રણીઓ હાજર રહેશે તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ દરવખતની જેમ યોજાશે, લોકોને સમયસર આવવા રાજપૂત સમાજે અપીલ કરી છે. બીજી તરફ ગાંધીનગર મચ્છરનગર ખાતે આદ્યશકિત ગરબી મંડળના ચોકમાં લોકો માટે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
આ ઉપરાંત દ્વારકા, ખંભાળીયા, કલ્યાણપુર સહિતના ૭ સ્થળોએ વિજયાદશમી ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, શહેરમાં ગયા વર્ષ કરતા આ વખતે મીઠાઇ બજારમાં ૧૫થી ૨૦ ટકાનો મીઠાઇના ભાવમાં વધારો થયો છે, પરંતુ આવતીકાલે ખાસ કરીને જલેબી, ફાફડા તેમજ અન્ય મીઠાઇઓનું પણ મોટા પાયે વેંચાણ થશે, આમ ભાવ વધારા છતાં પણ મીઠાઇ બજાર ગરમ બની છે.
કાલે સીંધી સમાજ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના ૩૪ અને ૪૦ ફુટના પુતળા તૈ્યાર થયા છે, આ સ્થળે સેલ્ફી વિથ રાવણ એવો પોઇન્ટ પણ રાખવામાં આવશે, સાંજે ૭ વાગ્યે લક્ષ્મણ, સીતાજી, હનુમાન સહિતના પાત્રો તેમજ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણ સહિતના રાક્ષસી સેનાના વેશભુષામાં આ શોભાયાત્રા નાનકપુરીથી સાંજે ૪ વાગ્યે નિકળી ખંભાળીયા નાકા, સેન્ટ્રલ બેંક, ટાઉનહોલ, લીમડાલાઇનથી પ્રદર્શન મેદાન પહોંચશે જયાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન થશે.
આવતીકાલે દશેરા નિમિતે જામનગર સહિત અનેક તાલુકા મથકોએ પણ દશેરાની ઉજવણી થશે, કેટલીક સામાજીક સંસ્થાઓ દ્વારા ગરીબોને મીઠાઇનું વિતરણ પણ કરવામાં આવશે, આમ આવતીકાલે શસ્ત્રપુજન, રાવણ દહન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.