BREAKING NEWS

રાજકોટ નજીક હડમતાળામાં ફેક્ટરીમાં ઈડીના દરોડા, હવાલાકાંડમાં ભાજપ નેતાની ભાગીદારી ખુલતા ચકચાર

  • June 04, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રના રાજકીય અને વ્યાપારિક જગતમાં હાલ એક મોટા સમાચારને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. રાજકોટ નજીક આવેલા ગોંડલ પાસેના હડમતાળા જીઆઈડીસી વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી)ની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજકીય એપી સેન્ટર બનેલા ગોંડલ નજીકના આ વિસ્તારમાં કેમિકલ અને ફાર્મા પ્રોડક્ટ્સ બનાવવાની આડમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું મોટું હવાલા નેટવર્ક ચાલતું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ ફેક્ટરીમાં તપાસ દરમિયાન એક મોટા ગજાના ભાજપ નેતાની ભાગીદારી હોવાનું સામે આવતા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


હડમતાળા સ્થિત ફાર્મા કંપનીમાં જ્યારે ઈડીના અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા, ત્યારે ફેક્ટરીના માલિકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. શરૂઆતમાં તેઓને લાગ્યું કે કોઈ નકલી અધિકારીઓ તોડ કરવા માટે આવ્યા છે. દહેલા જેવી કરામતનો ખેલ સમજીને ફેક્ટરીના માલિકે ઈડીની ખરી ખરાઈ કરવા માટે તાત્કાલિક સ્થાનિક પોલીસને ફોન કરીને દોડાવી દીધી હતી. સ્થાનિક પોલીસની ટીમ પણ તાબડતોબ ફેક્ટરી ખાતે પહોંચી ગઈ હતી. જો કે, ત્યાં પહોંચીને પોલીસે જ્યારે કાયદેસરના દસ્તાવેજો અને આઈડી કાર્ડની તપાસ કરી ત્યારે આ અધિકારીઓ અસલી ઈડીની ટીમના જ હોવાની પુષ્ટિ થઈ હતી. અસલી ઈડીની ટીમ હોવાનું સામે આવતા જ ફેક્ટરીના માલિકો સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમનો પરપોટો ફૂટી ગયો હતો. સ્થાનિક પોલીસે ઈડીના અધિકારીઓને કોઈપણ પ્રકારની સુરક્ષા કે મદદની જરૂર હોય તો સ્ટેન્ડ બાય રહેવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ ઈડીની ટીમે તેનો ઇનકાર કરી દેતા પોલીસ પરત ફરી હતી.


મળતી સત્તાવાર માહિતી અનુસાર, જે ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે તેમાં કુલ ૧૫ જેટલા ભાગીદારો હોવાનું સામે આવ્યું છે. આ ભાગીદારોમાં સૌરાષ્ટ્રના એક મોટા ગજાના ભાજપ નેતાએ પોતાના પુત્રને પણ ભાગીદાર બનાવ્યો છે. કંપનીના શેરની વહેંચણી મુજબ, ભાજપ નેતાના પુત્રનો આ કંપનીમાં આશરે ૬.૩૨ ટકા જેટલો હિસ્સો છે. આ સિવાય અન્ય ૧૫માંથી ૭ ભાગીદારો એવા છે જેઓ પાંચ ટકાથી ઓછી ભાગીદારી ધરાવે છે, જ્યારે બે મોટા ભાગીદારો ૧૫ ટકાથી પણ વધુનો મોટો હિસ્સો આ ફાર્મા કંપનીમાં ધરાવે છે. આ દરોડામાં ભાજપ નેતાના પરિવારનું નામ સીધું કનેક્ટેડ હોવાના કારણે આગામી દિવસોમાં આ નેતા સામે કાયદાનો સિંકજો કસાય તેવી પૂરેપૂરી અટકળો સેવાઈ રહી છે.


હડમતાળામાં આવેલી આ ફેક્ટરીમાં ગઈકાલ સવારથી શરૂ થયેલી સર્ચ ઓપરેશનની કાર્યવાહી મોડી રાત સુધી સતત ચાલુ રહી હતી. ત્યારબાદ આજે બીજા દિવસે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરીને જરૂરી દસ્તાવેજો જપ્ત કરી ઈડીની ટીમ દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. તપાસ દરમિયાન કેન્દ્રીય એજન્સીને કરોડો રૂપિયાનું હવાલા નેટવર્ક અને તેને લગતું શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેમિકલ બનાવવાની આડમાં ચાલતા આ હવાલાના નાણાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હેરફેર કરવામાં આવતા હોવાની આશંકા છે, જેના આધારે દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવી છે.


સુરત અને અંકલેશ્વરમાં પણ કનેક્શન

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ ઈડીની વિવિધ ટીમો દ્વારા માત્ર રાજકોટ જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના સુરત અને અંકલેશ્વરમાં પણ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. અંડરવર્લ્ડ ડોન દાઉદના સાગરીત સલીમ ડોલાના નેટવર્ક ઉપર અલગ-અલગ ૨૦ જેટલી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મની લોન્ડ્રિંગની સાથે-સાથે ફાર્મા કંપનીઓની આડમાં ડ્રગ્સની હેરફેર કરવામાં આવતી હોવાની આશંકાએ પણ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ કેસમાં મોટા કડાકા-ભડાકા થવાના અને વધુ વિગતો બહાર આવવાના સંકેતો મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application