BREAKING NEWS

અમદાવાદ સહિત છ શહેરમાં ઈડીના દરોડા: રૂ.200 કરોડના એકાઉન્ટ ફ્રીઝ, જાણો વધુ વિગત

  • October 19, 2026 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની મુંબઈ ઝોનલ ઓફિસ-1 દ્વારા શેરબજારમાં કૃત્રિમ રીતે શેરના ભાવ વધારીને સામાન્ય રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 16 ઓક્ટોબર, 2026ના રોજ બે મુખ્ય લિસ્ટેડ કંપનીઓ મેસર્સ આર એમ ડ્રિપ એન્ડ સ્પ્રિંકલર્સ સિસ્ટમ્સ લિમિટેડ અને મેસર્સ આરએન્ડબી ડેનિમ્સ લિમિટેડના શેરમાં થયેલા શંકાસ્પદ વ્યવહારો સંદર્ભે ઈડીએ દેશભરમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ઈડીએ બંને કંપનીઓની કચેરીઓ, પ્રમોટર્સના નિવાસસ્થાનો, નીચા ભાવે શેર મેળવનાર લાભાર્થીઓના સ્થળો, સ્ટોક બ્રોકિંગ અને ફાયનાન્સ કંપનીઓની ઓફિસો તેમજ પ્રમોશનલ વોટ્સએપ ગ્રૂપ ચલાવતી શંકાસ્પદ વ્યક્તિઓના ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા.


પ્રેફરન્શિયલ એલોટમેન્ટ અને કૃત્રિમ ભાવ વધારો

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન આ બંને કંપનીઓએ પસંદગીના વ્યક્તિઓ અને એકમોને 3.5 કરોડથી વધુ શેર તથા કન્વર્ટિબલ વોરન્ટ્સ ઈશ્યૂ કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ શેર ખરીદવા માટે જરૂરી મોટા ભાગના નાણાં પરસ્પર જોડાયેલા નજીકના લોકો, કંપનીઓ અને ધિરાણકર્તાઓના એક નાના વર્તુળમાંથી જ મેળવવામાં આવ્યા હતા. શેર એલોટ થયા બાદ મહિનાઓ સુધી તેનો મોટા ભાગનો હિસ્સો આ ચોક્કસ જૂથના કબજામાં રહ્યો હતો અને ત્યારબાદ ધીમે ધીમે કૃત્રિમ રીતે શેરના ભાવ સતત વધારવામાં આવ્યા હતા.


વોટ્સએપ અને સોશિયલ મીડિયા દ્વારા ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર

શેરના ભાવ કૃત્રિમ રીતે ઊંચા સ્તરે પહોંચાડ્યા પછી સામાન્ય છૂટક (રિટેલ) રોકાણકારોને આકર્ષવા માટે ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન એક સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેમાં ‘મલ્ટિબેગર સ્ટોક્સ’ જેવા આકર્ષક નામો ધરાવતા વોટ્સએપ ગ્રૂપ્સ અને કમ્યુનિટીઝ બનાવીને સામાન્ય રોકાણકારોને રોજેરોજ ખરીદીની ટિપ્સ મોકલવામાં આવતી હતી. આ ગ્રૂપ ચલાવવા માટે હરિયાણા અને મુંબઈના સરનામે મેળવેલા બોગસ સિમ કાર્ડ્સનો ઉપયોગ થયો હતો, પરંતુ આ સમગ્ર નેટવર્કનું વાસ્તવિક સંચાલન ગુજરાતના ભાવનગરથી થતું હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ટ્વિટર (X), એસએમએસ અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમોથી પણ વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો.


રોકાણકારોને પધરાવ્યા શેર અને ઈડીની કડક કાર્યવાહી

ભ્રામક ટિપ્સ અને પ્રચારના કારણે બંને સ્ક્રિપ્સમાં, ખાસ કરીને આરએમડીએસએસએલમાં ખરીદદારોની ભારે ભીડ જામી હતી, જેનાથી ટ્રેડિંગ વોલ્યુમ અને શેરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. આ તકનો લાભ ઉઠાવીને નીચા ભાવે પ્રેફરન્શિયલ શેર મેળવનારા સિન્ડિકેટે પોતાના શેર ઊંચા ભાવે સામાન્ય રોકાણકારોને વેચીને અધધ નફો રળી લીધો હતો. ઈડીએ તપાસ દરમિયાન મુખ્ય લાભાર્થી જૂથો જેવા કે એફ્લુઅન્સ જેમ્સ અને અન્ય, કાવા એચયુએફ અને અન્ય તેમજ કોમલય કન્સલ્ટન્સી અને અન્યની ઓળખ કરી છે.

ગેરરીતિ સામે આકરાં પગલાં ભરતાં ઈડીએ સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓના આશરે રૂ. 200 કરોડના મૂલ્ય ધરાવતા ટ્રેડિંગ એકાઉન્ટ્સ તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દીધા છે. સર્ચ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસિસ, શેર વ્યવહારોના ચોપડા અને મિલકત સંબંધિત કાગળો પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં એજન્સી દ્વારા આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસ તેજ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application