કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ દેશના કરોડો નોકરીયાત કર્મચારીઓને મોટી રાહત આપતાં પોતાની સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવી દીધી છે. ઇપીએફઓ સભ્યોને હવે પોતાનું પીએફ બેલેન્સ ચેક કરવા, પાસબુક જોવા કે કલેમનું સ્ટેટસ ટ્રેક કરવા માટે ભારેખમ પોર્ટલ કે મોબાઇલ એપ્લિકેશન પર નિર્ભર રહેવું પડશે નહીં. સંગઠન દ્વારા શરૂ કરવામાં આવેલી નવી વોટ્સએપ સેવા દ્વારા ખાતાધારકો માત્ર એક સાધારણ મેસેજ મોકલીને પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર રિયલ-ટાઇમ પીએફ વિગતો મેળવી શકશે. આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં જ 84000 થી વધુ સભ્યો ઇપીએફઓના ઓફિશિયલ વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ ચૂક્યા હતા.
ઇપીએફઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નવી વોટ્સએપ સેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સુવિધાથી ખાસ કરીને એવા કર્મચારીઓને મોટો ફાયદો થશે જેઓ પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરતા હતા. વોટ્સએપ ચેટબોટના માધ્યમથી સભ્યો કોઈપણ લોગિન પાસવર્ડ વિના પોતાના ઇપીએફ ખાતાની તાજી સ્થિતિ, કંપની દ્વારા જમા કરવામાં આવેલું માસિક યોગદાન અને નાણાં ઉપાડવાના દાવાઓ (ક્લેમ) નું લાઇવ અપડેટ તાત્કાલિક મેળવી શકશે. નાણાકીય વર્ષ 2026 માટે સરકારે ઇપીએફ અને વોલન્ટરી પીએફ (VPF) પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપેલી છે.
આ સેવાઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે. સંવાદ શરૂ કરવા માટે સભ્યોએ ઇપીએફઓના રજિસ્ટર્ડ અને વેરિફાઇડ વોટ્સએપ નંબર પર માત્ર 'Hello' ટાઇપ કરીને મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ સભ્યો પોતાનું પીએફ બેલેન્સ, છેલ્લી 5 ટ્રાન્ઝેક્શનની માહિતી અને કલેમ સ્ટેટસ સરળતાથી જોઈ શકશે. આ પહેલથી ઇપીએફઓ ઓફિસોના ચક્કર કાપવામાંથી મુક્તિ મળશે અને કસ્ટમર કેર પરની નિર્ભરતા ઘટી જશે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ, આ ચેટબોટ સેવા શરૂ કરવાનો મુખ્ય હેતુ સભ્યો સુધી પહોંચ વધારવાનો અને તેમની સેવાઓમાં સુધારો લાવવાનો છે. મોટાભાગના નાગરિકો પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા હોવાથી આ માધ્યમથી સેવાઓ આપવી વધુ અનુકૂળ રહેશે. આ ઉપરાંત સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓના ઉપયોગથી સભ્યો માટે પોતાની ભાષામાં માહિતી મેળવવી સરળ બનશે. 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના' (PMVBRY) હેઠળના સભ્યોને પણ આ નવી સિસ્ટમથી મોટી મદદ મળશે.