જો તમે નોકરી કરો છો અને દર મહિને તમારા પગારમાંથી પીએફ (PF) કપાય છે, અથવા તો કોઈ જૂની કંપની છોડ્યા પછી તમારા પીએફના નાણાં ત્યાં જ ફસાયેલા પડ્યા છે, તો તમારા માટે કેન્દ્ર સરકારે ખુશખબર આપી છે. ૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) પોતાનો ૭૪મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ અવસરે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દેશના કરોડો પગારદાર કર્મચારીઓ માટે ૨ અત્યંત સુવિધાજનક ડિજિટલ સેવાઓની સત્તાવાર શરૂઆત કરી છે.
હવે વોટ્સએપ પર મળશે EPFOની તમામ મુખ્ય સેવાઓ
નવી સેવાઓ હેઠળ હવે EPFOની મોટાભાગની કામગીરી અને સુવિધાઓ તમારા રોજબરોજ વપરાતા WhatsApp પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ જશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યુઝર્સે માત્ર EPFO દ્વારા જાહેર કરાનારા સત્તાવાર વોટ્સએપ નંબર પર ‘Hi’ લખીને મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ એક જ ક્લિકમાં કર્મચારીઓ પોતાના પીએફ ખાતાને લગતી સેવાઓ ખૂબ સરળતાથી મેળવી શકશે.
વોટ્સએપ પર મળનારી મુખ્ય ડિજિટલ સુવિધાઓ
PF બેલેન્સ ચેક: માત્ર એક મેસેજ દ્વારા તમે તમારા ખાતાનું તાજું બેલેન્સ અને જમા થયેલી રકમ તરત જ જાણી શકશો.
પાસબુક ડાઉનલોડ: પીએફ એકાઉન્ટની પાસબુક સીધી તમારા વોટ્સએપ ચેટમાં પીડીએફ (PDF) સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે.
e-KYC સ્ટેટસ: તમારો UAN (Universal Account Number) એક્ટિવેટ છે કે નહીં અને તમારી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ છે કે નહીં તેની તમામ વિગતો જોઈ શકાશે.
ક્લેમ સ્ટેટસ ટ્રેકિંગ: જો તમે પીએફ ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે ક્લેમ સબમિટ કર્યો હોય, તો તેનું રિયલ ટાઈમ સ્ટેટસ તરત ટ્રેક કરી શકાશે.
આ તમામ સુવિધાઓનો લાભ મેળવવા માટે કર્મચારીનો જે મોબાઈલ નંબર વોટ્સએપમાં ચાલુ હોય, તે જ નંબર UAN સાથે લિંક હોવો અનિવાર્ય છે. EPFO ટૂંક સમયમાં જ તેનો અધિકૃત WhatsApp હેલ્પલાઇન નંબર જાહેર કરશે.
નિષ્ક્રિય ખાતાઓ માટે રૂ.૧,૦૦૦ સુધીનું ઓટોમેટિક સેટલમેન્ટ
સામાન્ય રીતે નોકરી બદલતી વખતે કે જૂની કંપની છોડ્યા બાદ ઘણા કર્મચારીઓના ખાતામાં રૂ.૫૦૦ કે રૂ.૧,૦૦૦ જેવી નાની રકમ પડી રહે છે. આ નાની રકમ હોવાના કારણે મોટાભાગના લોકો ક્લેમ કરવાની જંઝટમાંથી બચવા ક્લેમ કરતા નથી, જેના લીધે આ ખાતાઓ વર્ષો સુધી નિષ્ક્રિય (Inoperative) હાલતમાં પડ્યા રહે છે. કર્મચારીઓની આ સમસ્યા દૂર કરવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
હવેથી રૂ.૧,૦૦૦ સુધીની સિલક ધરાવતા તમામ પાત્ર નિષ્ક્રિય ખાતાઓનું EPFO સ્વયં ઓટોમેટિક સેટલમેન્ટ કરી દેશે. આ નાની રકમ કર્મચારીના લિંક થયેલા બૅન્ક એકાઉન્ટમાં સીધી જમા થઈ જશે અથવા તેમના હાલના સક્રિય પીએફ ખાતામાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે. આ માટે ખાતાધારકે કોઈ ઓનલાઇન અરજી કરવાની કે પીએફ કચેરીના ધક્કા ખાવાની બિલકુલ જરૂર રહેશે નહીં.