કચ્છના અંજાર તાલુકાના દુધઈ ગામ નજીક આજે રવિવારે બપોરે 1:28 વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. રિકટર સ્કેલ પર આ ભૂકંપના આંચકાની તીવ્રતા 3.1ની માપવામાં આવી હતી, જ્યારે તેનું કેન્દ્રબિંદુ દુધઈથી 18 કિલોમીટર દૂર રણ વિસ્તાર નજીક નોંધાયું હતું. બપોરના સમયે ધરા ધ્રૂજતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
શિયાળાની શરૂઆત સાથે ફોલ્ટ લાઇન ફરી સક્રિય
કચ્છમાં શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ ભૂકંપની ફોલ્ટ લાઇન ફરી એકવાર સક્રિય થઈ હોવાનું જણાઈ રહ્યું છે. અંજાર તાલુકાના દુધઈ ગામ નજીક રવિવારે બપોરે 1 વાગીને 28 મિનિટના અરસામાં આંચકો આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અચાનક આવેલા આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
કેન્દ્રબિંદુ રણ નજીક, તંત્રને રાહત
સિસ્મોલોજી વિભાગના માપદંડ મુજબ રિકટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ દુધઈથી 18 કિલોમીટર દૂર રણ નજીક હોવાનું સ્પષ્ટ થયું હતું. કચ્છ જિલ્લામાં આવેલી વિવિધ ભૂકંપની ફોલ્ટ લાઇન પર અવારનવાર નાના-મોટા આંચકાઓ આવતા રહે છે. સદનસીબે આ 3.1ની તીવ્રતાના આંચકામાં કોઈ જાનહાનિ કે મોટી માલહાની થઈ નથી, જેના કારણે સ્થાનિક તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.