BREAKING NEWS

ગુજરાતમાં શિક્ષક ભરતીની તૈયારી તેજ: શિક્ષણ વિભાગનો તમામ જિલ્લાઓને રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવાનો આદેશ

  • July 01, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર શિક્ષક ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને નિયમબદ્ધ બનાવવા માટે શિક્ષણ વિભાગે કમર કસી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને નગર શિક્ષણ સમિતિઓના શાસનાધિકારીઓને એક મહત્વપૂર્ણ પત્ર પાઠવી વિદ્યાસહાયક અને શિક્ષક સંવર્ગ (વર્ગ-3) માટેના રોસ્ટર રજિસ્ટર તાત્કાલિક અસરથી અપડેટ કરી તૈયાર રાખવા સખત સૂચના આપવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અગાઉ ધોરણ 1 થી 5 માટે ગુજરાતી માધ્યમની 11,000 અને અન્ય માધ્યમોની 987 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ ભરતી બાદ જિલ્લા કક્ષાએ થયેલી શિક્ષકોની ફાળવણી, વ્યાપક બદલીઓ અને અન્ય વહીવટી ફેરફારોને કારણે જગ્યાઓની સ્થિતિમાં બદલાવ આવ્યો છે. આ તમામ ફેરફારોને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લાએ પોતાના રોસ્ટર રજિસ્ટરને વર્તમાન વાસ્તવિક સ્થિતિ મુજબ સુધારીને તૈયાર રાખવાના રહેશે.

પત્રમાં વધુમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, ભવિષ્યમાં જ્યારે પણ ભરતી માટે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવે, ત્યારે જિલ્લાઓએ કોઈ પણ પ્રકારના વિલંબ વિના તમામ વિગતો સાથે સજ્જ રહેવું અનિવાર્ય છે. રોસ્ટર રજિસ્ટર અપડેટ કરતી વખતે સરકાર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અને અનામત સંબંધિત તમામ બંધારણીય જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

શિક્ષણ વિભાગના આ નિર્ણયને આગામી શિક્ષક ભરતીની પૂર્વ તૈયારી તરીકે જોવામાં આવી રહ્યો છે. વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, જ્યારે ભરતીની જાહેરાત કરવામાં આવે ત્યારે જિલ્લાવાર ખાલી જગ્યાઓનું ચોક્કસ આયોજન પહેલેથી તૈયાર હોય, જેથી ભરતી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના વહીવટી વિલંબને ટાળી શકાય. આગામી સમયમાં રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા માટેની તારીખો અને વિસ્તૃત કાર્યક્રમ અંગેની જાણકારી શિક્ષણ વિભાગ દ્વારા અલગથી આપવામાં આવશે. આ આદેશને પગલે શિક્ષણ વિભાગમાં ભરતી પ્રક્રિયા અંગેની હિલચાલ તેજ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application