શ્રાવણ સોમવારે બિહારના લખીસરાયના અશોક ધામ મંદિરમાં નાસભાગ મચી ગઈ છે. આ દુર્ઘટનામાં આઠ મહિલાઓનાં મોત થયા છે. 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટના અશોકધામ સ્ટેશનથી મંદિર જવાના રસ્તા પર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ રાત્રે આ રસ્તા પર વીજળીનો થાંભલો તાર સહિત પડી ગયો હતો.
સોમવારે સવારે લગભગ 50 હજાર લોકો લાઇનમાં ઉભા હતા. ત્યારે જ થાંભલામાં કરંટ ફેલાયાની અફવા ફેલાઈ.
જેના પછી શ્રદ્ધાળુઓમાં અફરાતફરી મચી ગઈ અને લોકો આમતેમ ભાગવા લાગ્યા. જેમાં બેરિકેડિંગ તૂટી ગયું અને લોકો એકબીજા પર પડી ગયા.
આ દુ:ખદ અકસ્માત કેવી રીતે થયો?
જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેન્દ્ર કુમાર અને એડીએમ નીરજ કુમારે એક પત્રકાર પરિષદમાં સત્તાવાર રીતે પુષ્ટિ આપી હતી કે મૃત્યુનું કારણ વીજળીનો કરંટ નહીં, પરંતુ ભાગદોડ હતી. ટ્રેનોનું એક સાથે આગમન આ ઘટનાનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ભાગદોડ મચી ગઈ.
એક જ સમયે બે ટ્રેનો આવી
એવું કહેવામાં આવી રહ્યું છે કે અશોક ધામ હોલ્ટ પર બંને દિશાઓથી એક જ સમયે ટ્રેનો આવી હતી. ટ્રેન જોઈને કેટલાક યુવાનો અચાનક દોડવા લાગ્યા. ધસારાને કારણે વીજળીનો થાંભલો પડી ગયો. થાંભલો પડતાં ઘટનાસ્થળે વીજળીનો કરંટ લાગવાની અફવા ફેલાઈ ગઈ.
અકસ્માત સમયે વીજળી ગુલ હતી
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે વીજ પુરવઠો ખરેખર બંધ હતો અને વાયરો ઢંકાયેલા હતા, પરંતુ અફવાથી ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો. અફવા સાંભળીને ભીડ ગભરાઈ ગઈ. આ અફવામાં આઠ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા.
પ્રશાસન ઘટનાસ્થળે પહોંચ્યું
ઘટનાની માહિતી મળતાં, પોલીસ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. સ્થાનિક રહેવાસીઓ અને વહીવટીતંત્રની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક વહીવટીતંત્રે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.