મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને લઈને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચ (ECI) દ્વારા સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે. પંચે અદાલત સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે SIR સાથે જોડાયેલા તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે અને ફોર્મ 6 (Form 6) માં કોઈ પણ પ્રકારનો સુધારો કે ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વિવાદિત મામલે કાલે એટલે કે 27 ઓક્ટોબરે સર્વોચ્ચ અદાલતમાં રાહુલ ગાંધી સહિતના 13 વિપક્ષી નેતાઓની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીની સંપૂર્ણ સંમતિ અને એકમતીથી જ SIR સંબંધી તમામ આદેશો જારી કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરાયેલા આ દસ્તાવેજ પર ત્રણેય અધિકારીઓની સહી છે. પંચે અરજદારોના એ દાવાને ફગાવી દીધો છે કે આ નિર્ણયો સભ્યોની સંમતિ વિના લેવાયા હતા. પંચે સ્પષ્ટ કર્યું છે કે નિયમો અનુસાર ફોર્મ 6 માં ફેરફાર કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે અને પંચે તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઓનલાઈન પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવેલી ઘોષણા માત્ર એક અલગ દસ્તાવેજ હતો.
આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે ગત મહિને એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બે ચૂંટણી આયુક્તોએ SIR ના ફોર્મ 6 માં કરાયેલા ફેરફારો સામે વાંધો ઉઠાવ્યો હતો. આ જ આધારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે ફાઇલ પર પ્રશ્નો કે વાંધાઓ લખવા એ પંચનો અંતિમ વિરોધ કે નિર્ણય નથી હોતો.
પંચે સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું છે કે જે નાગરિકોના નામ જૂની મતદાર યાદી સાથે સીધા નહીં જોડાય, તેમના જરૂરી દસ્તાવેજો BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એકત્રિત કરવામાં આવશે અને ઓનલાઈન અપલોડ કરાશે. આવા મતદારોને સામાન્ય રીતે રૂબરૂ કચેરીમાં બોલાવવામાં આવશે નહીં. સક્ષમ ચૂંટણી અધિકારી (ERO) ના આદેશ વિના યાદીમાંથી નામ ઉમેરવા કે દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે નહીં. આ ઉપરાંત ECINet પ્લેટફોર્મની યોગ્ય કામગીરી તપાસવા માટે IIT મદ્રાસ અને IISc બેંગલુરુના નિષ્ણાતોની એક ખાસ સમિતિ પણ બનાવવામાં આવી છે. પંચે જણાવ્યું છે કે તહેવારોની રજાઓને કારણે હાલમાં ટૂંકો જવાબ રજૂ કરાયો છે અને જરૂર પડ્યે દરેક આરોપનો વિગતવાર જવાબ રજૂ કરવામાં આવશે.