BREAKING NEWS

જામનગર : કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો

  • October 09, 2025 11:30 AM 


રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને શહેરના ટાઉનહોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં બહોળી સંખ્યામાં યુવાનોને રોજગાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.


પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ આ પ્રસંગે યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમામ ક્ષેત્રોના વિકાસ માટે નક્કર આયોજન કર્યું હતું. તેમના કાર્યકાળની ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે યુવાઓને રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાનો આ સુંદર કાર્યક્રમ હાથ ધરાયો છે. મંત્રીએ રોજગારી મેળવનાર યુવાનોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, તેઓ માત્ર નોકરી મેળવનાર નહીં, પરંતુ ભવિષ્યમાં અન્યોને રોજગારી આપતા સક્ષમ ઉદ્યોગસાહસિક બને.



તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારનો રોજગાર વિભાગ ઔદ્યોગિક એકમો પાસે જઈને સર્વે કરી કુશળ કારીગરોને રોજગાર મળે તે માટે સક્રિયપણે મહેનત કરે છે. રોજગાર મેળા થકી સરકાર યુવાઓને રોજગારી આપવામાં નિમિત્ત બની રહી છે. વિશેષરૂપે, સરકારે આઈ.ટી.આઈ. માં ખૂબ મોટી ભરતીઓ શરૂ કરી, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું અને સાધનો વસાવી તેને આધુનિક બનાવ્યા. જેના પરિણામે આજે આઇટીઆઇમાં મોટી સંખ્યામાં એડમિશન આવે છે અને કુશળતા મેળવી યુવાઓ સરળતાથી રોજગારી મેળવતા થયા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની દ્રષ્ટિની સરાહના કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, તેમના નેતૃત્વ હેઠળ દરિયાકાંઠાના તાલુકાઓ, આદિવાસી વિસ્તાર, શહેરી અને ગ્રામીણ વિસ્તાર માટે વિવિધ વિકાસ લક્ષી યોજનાઓ થકી સમગ્ર ગુજરાતનો સંતુલિત વિકાસ થયો. વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી ઔદ્યોગિક મૂડી રોકાણ થઈ રહ્યું છે અને દરેક જિલ્લામાં નવા ઉદ્યોગો વિકસી રહ્યા છે, જેના થકી આજે રાજ્યના લાખો લોકોને રોજગારી મળી રહી છે. પ્રવાસન અને કૃષિ જેવા ક્ષેત્રોના વિકાસે પણ સ્થાનિક રોજગારીનું મહત્ત્વનું માધ્યમ પૂરું પાડ્યું છે.

​​​​​​​

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે યુવાઓને રોજગાર નિમણૂક પત્ર તેમજ આઇટીઆઇના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સનું વિતરણ કરાયું હતું. સાથે જ, આઇટીઆઇના અપગ્રેડેશન માટે ઔદ્યોગિક એકમો સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતાં.


જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપાએ શાબ્દિક સ્વાગત વડે સૌને આવકાર્યા હતાં, જ્યારે કાર્યક્રમની આભારવિધિ આઇટીઆઇના આચાર્ય જે.આર.શાહે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીદેવ ગઢવીએ સફળતાપૂર્વક કર્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, આગેવાન ડો. વિનોદભાઈ ભંડેરી,  બીનાબેન કોઠારી, આસિસ્ટન્ટ કલેક્ટર અદિતિ વાર્ષને, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, આઇટીઆઇ આચાર્ય આર.એસ.ત્રિવેદી સહિત બહોળી સંખ્યામાં યુવાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application