અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ડી કંપ્ની સાથે સંકળાયેલા કુખ્યાત ગેંગસ્ટર નસીમ દુરર્નિીનું ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોત થયું છે. નોઈડા એસટીએફ અને દિલ્હી પોલીસે સંયુક્ત કાર્યવાહી દરમિયાન તેને ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે નસીમે ગોળીબાર કરતાં પોલીસે જવાબી ગોળીબાર કર્યો હતો. તેમાં ગંભીર રીતે ઘવાયેલા નસીમને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
નસીમ દુરર્નિીનું નામ તાજેતરમાં દિલ્હીમાં થયેલી એક સનસનાટીભરી હત્યામાં બહાર આવ્યું હતું. 16 નવેમ્બરે દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાની ઓફિસ બહાર સમીર નામના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે નસીમે સમીર પર 15થી 16 ગોળીઓ ચલાવી હતી. આ હત્યા પછી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.
તપાસ દરમિયાન નોઈડા એસટીએફ અને દિલ્હી પોલીસને નસીમની હિલચાલ અંગે માહિતી મળી હતી. સિકંદરા બાયપાસ વિસ્તારમાં તે સ્કૂટી પર જઈ રહ્યો હોવાનું સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતું. પોલીસની ટીમ તેને પકડવા પહોંચી ત્યારે નસીમે પોલીસને જોઈને સ્કૂટીની ઝડપ વધારી દીધી હતી. પીછો કરવામાં આવતાં તેની સ્કૂટી લપસી ગઈ હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે સ્કૂટી પરથી પડી ગયા પછી નસીમે પોતાની પાસે રહેલી 32 બોરની બે પિસ્તોલમાંથી પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસે જવાબી ગોળીબાર કરતાં તેને અનેક ગોળીઓ વાગી હતી. ઘટનાસ્થળેથી બંને પિસ્તોલ કબજે કરવામાં આવી છે. એન્કાઉન્ટર દરમિયાન બંને તરફથી અનેક રાઉન્ડ ગોળીબાર થયો હતો.37 વર્ષનો નસીમ દુરર્નિી દિલ્હીના ન્યૂ મુસ્તફાબાદ વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધીનગરનો રહેવાસી હતો. તે નસીમ ઉર્ફે રિઝવાન તરીકે પણ ઓળખાતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તેના અંડરવર્લ્ડ ડોન છોટા શકીલ સાથે સંબંધો હતા. વર્ષ 2016-17 દરમિયાન તિહાર જેલમાં બંધ છોટા રાજનની હત્યા માટે છોટા શકીલે નસીમને સોપારી આપી હોવાનો પણ આરોપ હતો.