BREAKING NEWS

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 19 ટકાનો મોટો ઉછાળો: ઓગસ્ટમાં રોકાણકારોએ મુક્ત મને નાણાં રોક્યા, ગોલ્ડ ETF નો ક્રેઝ વધ્યો

  • September 12, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓગસ્ટ મહિનો મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને મોટા ફેરફારો વાળો સાબિત થયો છે. શેરબજારમાં જોવા મળેલી તેજી સાથે કદમ મિલાવીને સામાન્ય રોકાણકારોએ ઇક્વિટી સ્કીમોમાં મોટું રોકાણ કર્યું છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના તાજેતરના આંકડા અનુસાર, ઓગસ્ટ મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં કુલ 29328.62 કરોડ રૂપિયાનું નેટ રોકાણ આવ્યું છે. જુલાઈ મહિનામાં થયેલા 24697.39 કરોડ રૂપિયાના રોકાણની સરખામણીમાં આ આંકડો આશરે 19 ટકા વધુ છે. આ સાથે જ ઇક્વિટી સ્કીમોનું કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) 2.2 ટકા વધીને 39.21 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે.

બીજી તરફ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં એકદમ વિપરીત ચિત્ર જોવા મળ્યું છે. જુલાઈ મહિનામાં જ્યાં ડેટ ફંડ્સમાં બમ્પર રોકાણ થયું હતું, ત્યાં ઓગસ્ટમાં રોકાણકારોએ મોટા પાયે નાણાં પાછા ખેંચ્યા છે. એએમએફઆઈના ડેટા અનુસાર, ઓગસ્ટમાં ડેટ ફંડ્સમાંથી 8127.32 કરોડ રૂપિયાનું નેટ આઉટફ્લો નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં આ ફંડ્સમાં 187511.32 કરોડ રૂપિયાનું ભારે રોકાણ આવ્યું હતું. આમ છતાં, ડેટ ફંડ્સનું કુલ એયુએમ હજુ પણ 19.33 લાખ કરોડ રૂપિયાના સ્તરે જળવાઈ રહ્યું છે.


ગોલ્ડ ઇટીએફ (Gold ETF) માં પણ રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થતો જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણની ગતિ અત્યંત ઝડપી રહી હતી. જુલાઈમાં જ્યાં માત્ર 1558.75 કરોડ રૂપિયા આવ્યા હતા, તે ઓગસ્ટમાં આશરે 67 ટકા વધીને 2596.70 કરોડ રૂપિયા થઈ ગયા હતા. જોકે, હાઇબ્રિડ સ્કીમોમાં રોકાણની ઝડપ થોડી ધીમી પડી હતી. જુલાઈના 11490.56 કરોડ રૂપિયા સામે ઓગસ્ટમાં આ ઇનફ્લો 13 ટકા ઘટીને 10045.34 કરોડ રૂપિયા રહ્યો હતો.


​​​​​​​એએમએફઆઈ દ્વારા જાહેર કરાયેલી નવી વિગતો અનુસાર, ઇટીએફમાં ઓગસ્ટ દરમિયાન 10160.87 કરોડ રૂપિયા અને ઇન્ડેક્સ ફંડ્સમાં 787.49 કરોડ રૂપિયાનું નેટ રોકાણ આવ્યું હતું. આ આંકડા દર્શાવે છે કે ભારતીય રોકાણકારો હવે પરંપરાગત બચત સાધનોથી આગળ વધીને શેરબજાર અને ગોલ્ડ ફંડ્સમાં વધુ રસ દાખવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News