BREAKING NEWS

જામનગરમાં દવાખાનાને 'કતલખાનું' સમજનારા જવાબદારો સામે આકરા પગલા કેમ નહીં..?! ડો. પાર્શ્ચ વોરાને માત્ર સસ્પેન્ડ કરીને બધુ સંકેલી લેવાનો પ્રયત્ન?

  • November 19, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભગવાન પછી જેને બીજો દરજ્જો આપવામાં આવ્યો છે એવા પવિત્ર ગણાતા તબીબી વ્યવસાયને લાંછન લગાડતા અને અવિશ્વાસ પેદા કરતા જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટના ગેરરીતિના પ્રકરણનો જ્યારથી ધડાકો થયો છે ત્યારથી અનેક સવાલ ઉઠી રહ્યા છે, તબીબી આલમમાં તો ચકચાર છે જ, સાથેસાથે કોરોનાકાળ બાદથી હદૃયની બિમારીઓના વધી રહેલા કિસ્સાઓના કારણે દર્દીઓમાં પણ ભારે ચિંતાની લાગણી જન્મી છે, આ આક્ષેપ કોઇ મીડિયાના નથી, આ આક્ષેપ કોઈ વ્યકિતનો નથી, આ આક્ષેપ કોઇ સંસ્થાના નથી, ખુદ રાજ્યના આરોગ્ય મંત્રાલય તરફથી આ વિગતો જાહેર કરવામાં આવી છે. 


જેમાં એવું સ્પષ્ટ લખાયું છે કે, 50થી વધુ હદૃયની બિમારીના દર્દીઓની સારવારમાં ગેરરીતિ આચરવામાં આવી છે. એટલે જ વાતને અત્યતં ગંભીર સ્વરૂપ મળ્યું છે, પરંતુ આ ઇન્સ્ટીટયુટ સામે જે ગોકળ ગાયની ગતિએ કાઉન્ટર કામગીરી થઇ રહી છે તે અનેક પ્રકારની શંકા જન્માવનારી છે અને અનેક સવાલો પણ પેદા કરે છે, જેનો જવાબ જનતાને મળવો જોઇએ.


આવા ઇન્સ્ટીટયુટ આવા પાપ નહીં કરે તેની કોઇ ગેરેન્ટી આપી શકાય નહીં

જામનગરમાં આવેલ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં પીએમજેએવાય જેને આપણે પીએમજેએવાય યોજના તરીકે ઓળખીએ છીએ, તેમાં અમદાવાદના ખ્યાતીકાંડ બાદ રાજ્યભરમાં આ પ્રકારે ગેરરીતિ થતી હોવાની શંકા પ્રબળ બની હતી અને અહીંની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં પણ યોજના તળે ગેરરીતિ થઇ હોવાનું ગુજરાતના આરોગ્ય મંત્રાલયે શોધી કાઢયા બાદ સતાવાર રીતે વિગતો જાહેર કરવામાં આવી હતી, રૂ.૬ કરોડ જેટલી રકમ આ યોજના હેઠળ ઉસેડી લેવામાં આવી હોવાનો ભાંડો ફૂટયો હતો, ચાલો પૈસાની વાતને બાજુએ રાખીએ, પરંતુ આરોગ્ય મંત્રાલયના આ અહેવાલમાં એ વાતનો જે ઘટસ્ફોટ કરાયો હતો કે, ૧૦૫ જેટલા દર્દીઓની હદૃય સંબંધી સારવારમાં ખામી દેખાઇ છે અને તેમાં પણ ૫૦થી વધુ દર્દીઓની હદૃયની સારવારમાં ગેરરીતિ આચરવામાં આવી હતી એ વાત અત્યતં ગંભીર છે અને જરા પણ નજરઅંદાજ થઇ શકે નહીં, આ અપરાધ સોએ સો ટકા સજાને પાત્ર છે, જો માત્ર ઉપરથી દેખાતા પગલા લઇને આવા કતલખાના બનાવી દેવામાં આવેલા દવાખાનાઓને પીળો પરવાનો આપી દેવામાં આવશે તો ભવિષ્યમાં આવા ઇન્સ્ટીટયુટ આવા પાપ નહીં કરે તેની કોઇ ગેરેન્ટી આપી શકાય નહીં.


જવાબદારને સાંઢની જેમ છુટો શું કામ છોડી દેવામાં આવ્યો? 

હાલમાં આરોગ્ય મંત્રાલયે શું કર્યુ છે, માત્ર જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટને પીએમજેએવાય યોજનામાંથી ગેરલાયક ઠેરવી દીધી છે અને આ સમગ્ર પ્રકરણ આચરનાર ડો.પાશ્વ વોરાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, આ પ્રકારના બે પગલા હાલમાં લેવામાં આવ્યા છે અને તેનાથી આગળ હજુ સુધી કાંઇ કરવામાં આવ્યું નથી.  અહીં જ એ મોટો સવાલ ઉઠે છે કે, ૫૦થી વધુ દર્દીઓની હદૃય જેવી ગંભીર બિમારીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે ત્યાારે શું આટલા પગલા યોગ્ય છે? શું કામ આ ઈન્સ્ટીટ્યુટ અને તેના જે તે જવાબદારો સામે અમદાવાદના ખ્યાતીકાંડની જેમ ગુનો નોંધવામાં ન આવે?, શું કામ જવાબદારોની ધરપકડ કરીને એમને જેલ ભેગા કરવામાં ન આવે?, ખ્યાતીકાંડના સુત્રધાર ડો.વજીરાણીને તાત્કાલિક પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હોય તો અહીંના જે તે જવાબદારને સાંઢની જેમ છુટો શું કામ છોડી દેવામાં આવ્યો છે ?, ન્યાય તો બધા સાથે સરખો જ હોય ને? 


ડો.પાશ્વ વોરાએ પવિત્ર વ્યવસાયને પૈસા રળી લેવાનું માધ્યમ બનાવ્યું

સ્પષ્ટ વાત છે કે, ડો.પાશ્વ વોરાએ પવિત્ર વ્યવસાયને પૈસા રળી લેવાનું માધ્યમ બનાવ્યું હતું અને જે દર્દીઓને કદાચ જરૂર ન હતી એમને પણ હદય જેવા શરીરના સંવેદનશીલ અંગમાં સ્ટેન્ટ ઘુસાડી દીધા હતાં, આ આરોપ અમારો નથી, ખુદ રાજયનું આરોગ્ય મંત્રાલય આ બાબત જાહેર કરી ચુકયું છે ત્યારે તેને માત્ર સસ્પેન્ડ કરી દેવાના પગલા જરા પણ ન્યાયોચીત નથી, કારણ કે આ બાબત દર્દીઓની મહામુલી જીંદગી સાથે જોડાયેલી છે, જેમાં કોઇ બાંધછોડ થઇ શકે નહીં, કોઇ સમાધાનકારી માર્ગ લઇ શકાય નહીં. 


આજકાલ દ્રારા આ વાતનો પણ ધડાકો કરાયો 

આજકાલ દ્રારા એ વાતનો પણ ધડાકો કરાયો હતો કે, જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટની ગેરરીતિના તાર જામનગરના જ મેષ રાશી ધરાવતા એક જાણીતા ફિઝિશિયન સાથે પણ જોડાયેલા છે તો આરોગ્ય મંત્રાલય તરફથી આ ખાનગી હોસ્પિટલ સામે પણ સ્વાભાવીક રીતે કડક પગલાની જરૂરીયાત છે, પરંતુ અફસોસ કે હજુ સુધી એમને પણ ઉની આચં આવી નથી!


ખરેખર આરોગ્ય મંત્રાલય ગંભીરતાપૂર્વક તપાસ કરે 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આયુષ્યમાન કાર્ડ, પીએમજેએવાય જેવી યોજનાઓ બહાર પાડી અને તેમાં રાજ્યની ઘણી બધી ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ એટલા માટે કર્યો કે, નિર્ધન લોકો પણ મોંઘીદાટ હોસ્પિટલોમાં સારવાર મેળવીને પોતાની જિંદગી બચાવી શકે.  ભૂતકાળમાં બસ સ્ટેશન સામેની જ એક હોસ્પિટલમાં એક તબીબ દ્રારા પણ આ યોજના હેઠળ અસંખ્ય દર્દીઓને સ્ટેન્ટ ઘુસાડી દેવામાં આવ્યા હતાં, જો કે આ તબીબ હવે આ દુનિયામાં રહ્યા નથી એટલે એમણે કરેલી કદાચ ૧૪ હજારથી વધુ સર્જરીઓ પણ તપાસના દાયરામાં આવી શકે, જો ખરેખર આરોગ્ય મંત્રાલય ગંભીરતાપૂર્વક તપાસ કરે તો.


કોઇ કાંઇ બોલતું નથી, આ બધા શું કામ ખામોશ છે? 

જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટની ગેરરીતિ કોઇપણ રીતે માફીને પાત્ર નથી, ખ્યાતીકાંડ આચરવામાં આવ્યા બાદ પણ જો અહીંની ઇન્સ્ટીટયુટમાં ગેરરીતિ આચરવાની હિંમત થઇ હોય તો સમજી શકાય કે, હજુ પણ આ પ્રકારે પીએમજેએવાય જેવી યોજનાઓને આધાર બનાવીને કેટલાક પૈસા ભુખ્યા તબીબો પોતાના સપનાના મહેલ ચણી રહ્યા છે અને લોકોની મહામુલી જિંદગીને જોખમમાં મુકી રહ્યા છે.  આ પ્રકરણ ગંભીર છે, અંજામ સુધી પહોંચવું જોઇએ, કારણ કે જામનગર અને જિલ્લાના તમામ લોકો સાથે સંકળાયેલ છે એટલે એ બાબતનું પણ ભારે આર્ય છે કે અત્યાર સુધી પ્રજાના પ્રતિનિધિઓ પણ ચૂપ છે, કોઇ કાંઇ બોલતું નથી, આ બધા શું કામ ખામોશ છે? એ બધા સવાલ પણ હવે પછીના એપીસોડમાં ઉઠાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application