BREAKING NEWS

રશિયા સાથે વ્યાપાર કરારોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નિકાસકારોને ફાયદો

  • December 11, 2025 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં કરાયેલા ઘટાડાથી અસહ્ય અમેરિકન ટેરિફ સામે રક્ષણ મળ્યું છે સાથે જ રશિયા સાથે કરાયેલા વ્યાપાર કરારો થી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નિકાસકારોને ફાયદો થશે તેવી પ્રતિક્રિયા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોર પ્રોજેકટથી ભારત-રશિયા વચ્ચેના પરિવહન સમય અને ખર્ચમાં ૩૦થી ૪૦ ટકા ઘટાડો થશે જેનાથી એમ.એસ.એમ.ઇ.સેક્ટર એક્સપોર્ટર્સને વ્યાપક ફાયદો થશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત દેશની બે દિવસની સફળ મુલાકાતને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ આવકાર સાથે અભિનંદન પાઠવ્યા છે. આ મુલાકાત થકી બન્ને દેશોના સબંધો વધુ મજબુત બનશે તેમજ ભારત અને રશિયા વચ્ચે જુદા જુદા ક્ષેત્રે કુલ ૧૯ જેટલા કરારો થવાથી આવનારા વર્ષોમાં બન્ને દેશો વચ્ચે આશરે ૧૦૦ અબજ ડોલરનો વેપાર પહોંચાડવાનું જે લક્ષ્ય ધારણ કરાયેલ છે તે ખરેખર આવકારદાયક છે. જેમાં ઉદ્યોગ, મશીન ઉત્પાદન, ડિઝીટલ ટેકનોલોજી, વિજ્ઞાન અને અવકાશ સંસોધનો, હેલ્થ, ફુડ સેફટી, પ્રવાસન, ખાતર, સરંક્ષણ, શિપ બિલીંગ વિગેરે અનેક ક્ષેત્રોમાં વૃધ્ધિ થશે. તેમજ રાજકોટ-સૌરાષ્ટ્રના એમ.એસ.એમ.ઇ. અને ખાસ કરીને વૈશ્વીક સ્પર્ધામાં ઝડપથી આગળ વધવા માટે નિકાસકારોને વેગ મળવાની સાથે નવી ઉચાઈઓ સર કરશે. તેમજ ભારત દેશના અર્થતંત્રને પણ વેગ મળશે.

વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જયારથી દેશની કમાન સંભાળેલ ત્યારથી ભારત દેશએ વિકાસની હરણફાળ ભરી છે. ત્યારે આ મુલાકાત દરમ્યાન આંતરરાષ્ટ્રિય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોર પ્રોજેકટ શરૂ થતા ભારત અને રશિયાના પરિવહન સમય તેમજ ખર્ચમાં આશરે ૩૦ ટકા થી ૪૦ ટકાનો ધટાડો થશે. જેનાથી નિકાસકારો તેમજ ઉદ્યોગકારોને ખુબ જ ફાયદો થશે. ભારત દેશએ સમગ્ર વિશ્વમાં આજે પોતાની આગવી છાપ ઉભી કરીને આત્મનિર્ભર ભારત તરીકે પ્રસ્થાપિત થયું છે. જે ખરેખર વડાપ્રધાનની વિઝન૨ી લીડરશીપમાં સાર્થક થયું છે. આવના૨ા દિવસોમાં વિકસીત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાર્થક કરવા રાજકોટ ચેમ્બ૨ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હરહંમેશ સહયોગ આપતું રહેશે.

તદ્દઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશના અર્થતંત્રને વધુ વેગવંતુ રાખવા માટે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને ૫.૨૫ ટકા કર્યો છે. આમ આ વર્ષે રેપો રેટમાં સતત ચાર વખત ઘટાડો કરીને વેપાર-ઉદ્યોગો અને આમ જનતાને ખૂબ જ મોટી રાહત આપેલ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આ હિતલક્ષી નિર્ણયને આવકારીએ છીએ. આ રેપો રેટના ઘટાડાથી વિવિધ ક્ષેત્રોની લોન સસ્તી થશે ખાસ કરીને હાઉસીંગ લોન સસ્તી થવાથી ઈએમઆઈમાં ઘટાડો થશે તેમજ ધિરાણ લેનારાઓને પણ ફાયદો થશે. વધુમાં અમેરીકા દ્વારા લાગુ કરવામાં આવેલ અસહ્ય વધારાના ટેરીફ દરને કારણે તમામ ઔદ્યોગીક ક્ષેત્રો અને ખાસ કરીને નિકાસકારોને તીવ્ર નુકશાનીનો સામનો કરવો પડી રહયો છે. ત્યા૨ે આ રેપો રેટના ઘટાડાથી નિકાસકારોને ખુબ જ સારો એવો ફાયદો થશે અને દેશના નિકાસકારોને વધુ વેગ મળશે તેમજ આર્થિક વૃધ્ધિ દરમાં પણ વધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application