કથિત પત્રકારોની ટોળકીના એક બાદ એક કારનામાં બહાર આવી રહ્યા છે. ત્યારે વધુ એક ચોંકવનારૂ પ્રકરણ સામે આવ્યું છે. શહેરના જાણીતા અને સિનિયર તબીબનો મહિલા સ્ટાફ સાથેનો અંગત પળોનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી ચાર જેટલા કથિત પત્રકારોની આ ટોળકીએ તબીબ પાસે લાખો રૂપિયાની ખંડણી માગી હતી. જેઅ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણને તબીબ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના જાણીતા તબીબ પોતાની હોસ્પિટલમાં ટૂંક સમય પહેલા જ સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યાં હતાં. દરમિયાન થોડાંક સમય પહેલાં તેઓએ હોસ્પિટલના એક રૂમમાં એક મહિલા કર્મી સાથે અંગત પળો માણી રહ્યા હતાં. તબીબના અંગત પળો સીસીટીવી ફૂટેજ કે મોબાઈલ દ્વારા શૂટિંગ કરી એક તબીબે ન્યૂડ વીડિયો ક્લિપ બનાવી લીધી હતી.
બાદ આ વીડિયો બનાવનાર તબીબ દ્વારા કથિત પત્રકારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી આ સમગ્ર મામલામાં ચાર જેટલા કથિત પત્રકારોએ એન્ટ્રી થઇ હતી. એક બાદ એક આ પત્રકારોએ તબીબને ડરાવ્યા હતા અને અલગ અલગ રીતે રૂ.૨૩ લાખથી રૂ.૨૫ લાખ સુધીની ખંડણી પણ મંગાઈ હતી. જો આ આ રકમ નહીં આપે તો વીડિયો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં વાયરલ કરી દેવાની ધમકીઓ આપવા લાગ્યા હતાં.
આ શખસોની ધમકીઓથી કંટાળી જઇ અંતે તબીબે શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાસે પહોંચી પોતાની હકીકત વર્ણવી હતી. તબીબની વાત સાંભળી પોલીસે ગંભીરતા દાખવી તુરંત આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ તપાસમાં તબીબ અને ચારેક કથીત પત્રકારોની સંડોવણી સામે આવતાં પોલીસે તુરંત જ બનાવ અંગે ખંડણી અંગે સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ કરવાં તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણને લઇ તબીબ જગતમાં છાણાખૂણે ભારે ચર્ચા થઇ રહી છે.