BREAKING NEWS

FBI પર 3 મહિનામાં બીજો સાયબર હુમલો: ગુનેગારોના રેકોર્ડ અને વોરંટની માહિતી ધરાવતો ડેટાબેઝ હેક

  • November 22, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાની મુખ્ય તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના કમ્પ્યુટર સિસ્ટમ પર ફરી એકવાર ગંભીર સાયબર હુમલો થયો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, હેકરોએ દેશભરના ગુનાહિત રેકોર્ડ્સનો સંગ્રહ કરતા એક મહત્વપૂર્ણ ડેટાબેઝને નિશાન બનાવ્યો છે. થોડા મહિનામાં FBI ની સિસ્ટમ પર થયેલો આ બીજો મોટો સાયબર હુમલો છે, જેણે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.


સીએનએનના અહેવાલ અનુસાર, આ ઘટનાની FBI દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ સાથે સંકળાયેલા બે સૂત્રોએ આ માહિતીની પુષ્ટિ કરી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હેકરોએ ડેટાબેઝમાંથી કઈ ચોક્કસ માહિતી ચોરી કરી છે અને તેઓ કેટલા રેકોર્ડ્સ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે.


NCIC ડેટાબેઝ બન્યો નિશાન

જે ડેટાબેઝ હેકિંગનો શિકાર બન્યો છે, તેને 'નેશનલ ક્રાઈમ ઈન્ફોર્મેશન સેન્ટર' (NCIC) તરીકે ઓળખવામાં આવે છે. આ એક અત્યંત સંવેદનશીલ નેટવર્ક છે જે અમેરિકાની ફેડરલ, રાજ્ય અને સ્થાનિક પોલીસ એજન્સીઓને એકબીજા સાથે જોડે છે. આ ડિજિટલ સિસ્ટમ દ્વારા દેશભરની કાયદા અમલીકરણ એજન્સીઓ અપરાધ સંબંધિત મહત્વની માહિતી મેળવી શકે છે અને પરસ્પર શેર કરી શકે છે.


NCIC ડેટાબેઝમાં ગંભીર ગુનાઓના ધરપકડ વોરંટ (arrest warrants) અને લોકોની બેકગ્રાઉન્ડ તપાસ સંબંધિત મહત્વનો ડેટા સંગ્રહિત હોય છે. પોલીસ અને તપાસ એજન્સીઓ તેનો ઉપયોગ નિયમિત ધોરણે અપરાધીઓની ઓળખ કરવા, ધરપકડ વોરંટની સ્થિતિ તપાસવા અને તપાસ દરમિયાન જરૂરી રેકોર્ડ્સ જોવા માટે કરે છે.


સપ્ટેમ્બરમાં પણ થયો હતો હુમલો

આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં 'ShinyHunters' નામના હેકરોના એક જૂથે FBI ની ભરતી સંબંધિત વેબસાઈટ પર સાયબર હુમલો કર્યો હતો. તે હુમલામાં એજન્સીના કર્મચારીઓની ખાનગી અને સંવેદનશીલ માહિતી ચોરી થઈ હોવાની વાત સામે આવી હતી.


​​​​​​​આમ, છેલ્લા થોડા જ મહિનાઓમાં FBI ની સિસ્ટમ પર આ બીજો સાયબર હુમલો છે. પ્રથમ હુમલામાં જ્યાં કર્મચારીઓની વ્યક્તિગત માહિતીને નિશાન બનાવવામાં આવી હતી, જ્યારે આ નવા હુમલામાં દેશભરની પોલીસ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ગુનાહિત રેકોર્ડના મુખ્ય ડેટાબેઝને હેક કરવામાં આવ્યો છે, જે એક મોટી સુરક્ષા ચૂક દર્શાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application