ઉનાળાની ઋતુ શરૂ થતાં જ બજારમાં રસીલા તરબૂચની માંગ ખૂબ વધી જાય છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવા ભ્રામક દાવા વાયરલ થઈ રહ્યા છે કે તરબૂચને અંદરથી લાલચોળ દેખાડવા માટે તેમાં કેમિકલ કે લાલ રંગના ઈન્જેક્શન મારવામાં આવે છે. આ અફવાઓ પર હવે દેશની સર્વોચ્ચ ફૂડ સેફ્ટી સંસ્થા FSSAIએ સત્તાવાર ખુલાસો કરીને સત્ય જાહેર કર્યું છે.
તરબૂચમાં લાલ રંગના ઈન્જેક્શનની અફવાઓનું સત્ય
FSSAI એ સોશિયલ મીડિયાના દાવાઓનો કર્યો પર્દાફાશ
સોશિયલ મીડિયા પર ઘણા ઇન્ફ્લુએન્સર્સ એવો દાવો કરી રહ્યા છે કે જો તરબૂચના ટુકડાને પાણીમાં નાખવાથી પાણી લાલ થઈ જાય, તો તેમાં કૃત્રિમ રંગ (Synthetic Color) ઉમેરાયો છે. આવા ડરના કારણે ઘણા લોકોએ આ હેલ્ધી ફળ ખાવાનું જ બંધ કરી દીધું છે. આ અંગે FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે ઈન્જેક્શન દ્વારા તરબૂચને લાલ કરવું વૈજ્ઞાનિક અને વ્યવહારિક રીતે અશક્ય છે.
આ અફવાને નકારવા માટે મુખ્ય 3 વૈજ્ઞાનિક કારણો આપ્યા છે:
1. રંગ આખા તરબૂચમાં ક્યારેય ફેલાઈ ન શકે
FSSAI ના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિ તરબૂચમાં સોય ભોંકીને લાલ ડાઈ (રંગ) નાખવાનો પ્રયાસ કરે, તો પણ તે લિક્વિડ ક્યારેય આખા ફળમાં સરખી રીતે પ્રસરી શકતું નથી. તેના કારણે તરબૂચની અંદર માત્ર એ જ જગ્યાએ ઘાટા લાલ રંગના ધબ્બા કે નિશાન બની જશે જ્યાં ઈન્જેક્શન આપ્યું હશે, જેનાથી પોલ તરત જ પકડાઈ જાય.
2. બેક્ટેરિયા પ્રવેશતા જ તરબૂચ સડવા લાગશે
તરબૂચની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. જો તેમાં કોઈ પણ પ્રકારે સોય ભોંકવામાં આવે, તો તે છિદ્ર (કાણા) વાટે તરત જ બહારના હાનિકારક બેક્ટેરિયા અંદર પ્રવેશી જાય છે. બેક્ટેરિયાના કારણે તરબૂચ અંદરથી ખૂબ જ ઝડપથી સડવા લાગશે અને તેનો સ્વાદ તેમજ સુગંધ સંપૂર્ણ બગડી જશે. આવું બગડેલું ફળ બજારમાં વેચવું શક્ય જ નથી.
3. આર્થિક રીતે મોટો ખોટનો ધંધો
ઉનાળાની ઋતુમાં તરબૂચનું ઉત્પાદન ખૂબ મોટા પાયે (બલ્કમાં) થાય છે. બજારમાં લાખોની સંખ્યામાં આવતા તરબૂચોમાં એક-એક કરીને ઈન્જેક્શન મારવા માટે અતિશય મજૂરો (લેબર) અને મોંઘી સામગ્રીની જરૂર પડે. આ પ્રક્રિયાથી વેપારીઓનો ખર્ચ એટલો વધી જાય કે વ્યવહારિક રીતે આ લોજિક બિલકુલ ખોટો સાબિત થાય છે.
પોષક તત્ત્વોનો ખજાનો
ડર્યા વગર ડાયેટમાં સામેલ કરો
FSSAI એ નાગરિકોને અફવાઓથી દૂર રહીને નિઃસંકોચ તરબૂચ ખાવાની સલાહ આપી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA) ના અહેવાલ મુજબ તરબૂચ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે
હાઇડ્રેશન: તેમાં આશરે 91% જેટલું માત્ર પાણી જ હોય છે, જે ઉનાળામાં ડીહાઈડ્રેશનથી બચાવે છે.મિનરલ્સ અને વિટામિન્સ: તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન સી અને ફોલેટ જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે