BREAKING NEWS

પોપટ ખોવાતા પરિવારના હાલ બેહાલ, શોધી આપનારને 1 લાખનું ઈનામ; વાંચો ગુજરાતી ફેમિલીનો અનોખો પક્ષીપ્રેમ

  • November 04, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરા શહેરના સેવાસી રોડ પર રહેતા પારેખ પરિવારમાંથી ભાવનાત્મક ઘટના સામે આવી છે. આ પરિવારનો વ્હાલાસોયો આફ્રિકન ગ્રે પેરોટ (પોપટ) અચાનક ગુમ થઈ જવાથી આખો પરિવાર ભારે આઘાત અને શોકમાં ડૂબી ગયો છે. પરિવારે પોતાના પાલતું સભ્યને હેમખેમ શોધી આપનાર વ્યક્તિ માટે રૂપિયા એક લાખનું આકર્ષક ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. છેલ્લા ચાર દિવસથી ઘરની રોનક છીનવાઈ ગઈ છે અને પરિવારજનો માત્ર લડ્ડુનું ખાલી પાંજરું તેમજ તેના જૂના વીડિયો જોઈને આંસુ વહાવી રહ્યા છે.


વડોદરાના શાલીન પારેખ અને જેસિકા પારેખ પેટ પેરેન્ટ્સ તરીકે ઓળખાય છે. જેસિકાબેન માટે આ 'લડ્ડુ' નામનો પોપટ માત્ર એક પક્ષી નહોતું, પરંતુ તેમની આંખનો તારો અને પોતાના દીકરા સમાન હતો. લડ્ડુની નાની-નાની જરૂરિયાતો, તેની યોગ્ય સારસંભાળ તેમજ તેના પોષણ માટે જેસિકાબેને પોતાની ખાનગી શાળાની નોકરી પણ હસતા મુખે છોડી દીધી હતી. તેઓ પોતાના સંતાનની જેમ તેની માવજત કરતા હતા. લડ્ડુ ગુમ થઈ ગયા પછીના છેલ્લા ચાર દિવસથી જેસિકાબેને પોતાના મોઢામાં અન્નનો એક દાણો પણ નાખ્યો નથી અને તેઓ માત્ર એક જ રટણ કરી રહ્યા છે કે, મારો દીકરો મને પાછો લાવી આપો.


જેસિકાબેને ભારે રડમસ ચહેરે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લડ્ડુ આખો દિવસ તેમની આસપાસ જ રહેતો હતો. તેના ખાવા-પીવાના સમય એકદમ નિશ્ચિત હતા અને સમય થતાં જ તે તેમના ખોળામાં આવીને બેસી જતો હતો. તેના કાલાઘેલા અને મધુર અવાજથી આખું ઘર સતત ગૂંજતું રહેતું હતું. પરંતુ હવે તેના ચાલ્યા જવાથી ઘરમાં ચારેય બાજુ સન્નાટો છવાઈ ગયો છે. દંપતીએ તેને શોધવા માટે આસપાસના તમામ વિસ્તારો ખૂંદી નાખ્યા છે, પરંતુ તેનો કોઈ જ અતોપતો મળ્યો નથી. પરિવારના જણાવ્યા મુજબ લડ્ડુ શોરબકોરથી દૂર રહે છે અને તેને ઊંચાઈ પર રહેવું વધુ પસંદ છે.


આફ્રિકન ગ્રે પેરોટને હેમખેમ શોધી લાવનારને પરિવારે એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કર્યા બાદ અનેક લોકોએ તેમનો સંપર્ક કર્યો છે. જોકે, પરિવાર પોતાના પાલતુ પક્ષીની વિશેષ ઓળખ સારી રીતે જાણે છે. આ પોપટની ઓળખ માટે તેની આંખના ભાગે વાગ્યાનું નિશાન છે, ચાંચ ઉપર ખરબચડું ચિહ્ન છે અને તેના પગમાં એક વિશેષ રિંગ પહેરાવવામાં આવી છે, જેનાથી તેની સાચી ઓળખ થઈ શકશે.

માત્ર છ મહિનાની વયના આ આફ્રિકન ગ્રે પેરોટને આ પરિવારે ખાસ મુંબઈથી મંગાવ્યો હતો, જેને લાવવાનો કુલ ખર્ચ રૂ.1.10 લાખ થયો હતો. પારેખ પરિવાર માત્ર આ પેરોટ જ નહીં પરંતુ ઘરના અન્ય પાલતુ પ્રાણીઓ પ્રત્યે પણ અત્યંત સંવેદનશીલ છે અને તેમને પરિવારના સભ્યોની જેમ જ સાચવે છે. હાલ આ દંપતી પોતાના દીકરા સમાન વ્હાલા પોપટને સુરક્ષિત રીતે પાછા મેળવવા માટે ભારે આતુરતા અને વેદના સાથે રાહ જોઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application