રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકરનગરમાં કાળી ચૌદસની રાત્રે ૧:૦૦ વાગ્યે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે સશસ્ત્ર મારામારી અને ધીંગાણાની ઘટનામાં એક જ પરિવારના બે સગાભાઈ સુરેશ અને વિજયની હત્યા થતા પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓને ઝડપી ઘટનાસ્થળે વરઘોડો નહીં કઢાઈ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમજ સામાં પક્ષે આરોપીના મકાન પર બુલડોઝર ફેરવવાની માંગ કરી હતી.
બંને પક્ષે 11 સામે હત્યા, રાયોટિંગ હેઠળ ગુના નોંધાયા
રાજકોટમાં કાળી ચૌદસની રાત્રીએ એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ધીંગાણામાં ટ્રીપલ હત્યાની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મૃતક અણ રાઠોડના ભાઈ રમણની ફરિયાદ પરથી મૃતક સુરેશ મૃતક વિજય, સુધીર પરમાર, સહિત છ સામે યારે મૃતક વિજયના પુત્ર સુધીરની ફરિયાદ પરથી મૃતક અણ તેના ભાઈ રમણ અને ત્રણ અજાણ્યા શખસો સહિત કુલ ૧૧ સામે હત્યા રેયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
બીબીએનો અભ્યાસ કરતા સુધીર સહિત છ સામે હત્યાનો ગુનો નોંધાયો
આંબેડકરનગરમાં ગતરાત્રિના એક જ પરિવારના બે સગાભાઇએની હત્યા અને સામા પક્ષે એક યુવાનની હત્યા થતા સામસામે ફરિયાદ નોંધાવાતા હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ થયો તેમાં સુધીરના પિતા અને મોટાબાપુનો ભોગ લેવાયો છે. જ્યારે સામે અરૂણ રાઠોડની હત્યા થતા મૃતક સુરેશ અને વિજય તેમજ વિજયના પુત્ર સુધીર સહિત પાંચ સામે ગુનો દાખલ થયો છે. જેમાં સુધીર બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.
મૃતક અરૂણ ત્રણ ભાઈ એક બહેનમાં સૌથી મોટો હતો
રાજકોટમાં દિવાળી પર્વે જ લોહિયાળ ટ્રીપલ હત્યાએ સનસનાટી ફેલાવી દીધી છે. જેમાં હત્યાનો ભોગ બનેલા દલિત સમાજના અરૂણ બારોટ અણ રાઠોડને સામસામે મારામારીમાં પીઠના ભાગે છરી ઝીંકી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. વહેલી સવારે તેનું મોત નીપજતા બેવડી હત્યાનો બનાવ ટ્રીપલ હત્યામાં ફેરવાયો હતો. મૃતક અરૂણ ત્રણ ભાઈ એક બહેનમાં સૌથી મોટો અને ટેટુ સ્ટુડિયો નામની દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
બે સગાભાઈની હત્યા, માતા-પિતા સહિત છ ઘવાયા
આંબેડકર નગરમાં ગતરાત્રિના ઘર નજીક સુરેશ પરમાર નામના યુવકના બાઈકને ઠોકરે ચડાવ્યા બાદ મોડી રાત્રિના ફરી બંને પક્ષે સશસ્ત્ર મારામારીમાં સુરેશ અને તેના ભાઈ વિજયની હત્યા થઈ હતી. જ્યારે માતા-પિતા, ભાઈ તેમજ ભાઈના પુત્ર અને પત્ની સહિત છ ઘવાયા હતા. મૃતક સુરેશને સંતાનમાં એક દીકરો ત્રણ દીકરી હોવાનું અને પોતે સ્કાયટેક એન્જિનિયરિંગમાં મજૂરી કામ કરતો હતો. જ્યારે વિજયને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોમાં પોલીસના રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોડીરાત્રિના શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ આંબેડકરનગરમાં કારે બાઈકને અડફેટે લેતા સર્જાયેલા સામાન્ય અકસ્માતમાં વાહન સરખું ચલાવવા બાબતે ઠપકો આપતા મોડીરાત્રિના ઘાતકી હથિયારો સાથે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણામાં ઘટનાસ્થળે એક જ પરિવારના બે સગાભાઈ તેમજ સામા પક્ષે એક વ્યકિત સહિત ત્રિપલ હત્યાના બનાવે સનસનાટી મચાવી દીધી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ૧૫૦ ફટ રિંગરોડ પર આવેલ આંબેડકર નગરમાં ગત મોડીરાત્રિના સુરેશભાઈ વશરામભાઈ પરમાર ઉંમર વર્ષ ૪૦વાળો યુવક પોતાના ઘર પાસે હતો તે વેળાએ કારમાં નીકળેલા શખ્સોએ બાઈકને અડફેટે લેતા સામાન્ય અકસ્માત સર્જાતા સુરેશે કારચાલકને વાહન જોઈને ચલાવવા માટે ઠપકો આપતા સામાન્ય બોલાચાલી થયા બાદ કારમાં આવેલા શખ્સો નીકળી ગયા હતા.
ત્યારબાદ રાત્રિના 1 વાગ્યા આસપાસ ફરી ધોકા છરી પાઇપ જેવા ઘાતકી હથિયારો સાથે આવેલા પાંચથી સાત વ્યકિતઓએ સુરેશભાઈ પરમાર તેના ભાઈ વિજય પરમાર, ભાઈ જગદીશ પરમાર, વિજયના પત્ની હંસાબેન તેમજ પુત્ર સુધીર અને માતાપિતા સાથે ગાળાગાળી કરી ઘાતકી હથિયારો સાથે ખૂની હુમલો કરતા બંને પક્ષે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું.
આ ધીંગાણામાં સુરેશ પરમાર ઉંમર વર્ષ ૪૫ અને તેના ભાઈ વિજય પરમાર ઉંમર વર્ષ ૪૦નું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓ પહોંચતા બંને ભાઈઓની લોથ ઢળી પડી હતી. જ્યારે સુરેશભાઈના પત્ની ભારતીબેન, ભાઈ જગદીશ પરમાર, વિજયના પત્ની હંસાબેન, વિજયનો પુત્ર સુધીર તેમજ સુરેશના પિતા વશરામભાઈ અને માતા દેવુબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યયારે સામા પક્ષે અરૂણ વિનુભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૨૨ અને તેના મોટાભાઈ રમણ વિનુભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૨૫ વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા વળતા પ્રહારમાં અરૂણ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને હુમલામાં ઘવાયેલ તેના ભાઈ રમણને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત્રિના આંબેડકર નગરમાં થયેલા સશસ્ત્ર ધીંગાણામાં ત્રીપલ હત્યાના બનાવની જાણ થતા માલવિયાનગર પીઆઇ દેસાઈ પી.એસ.આઇ એમ જે ધાધલ, ડી સ્ટાફ, એલસીબી ઝોન ૨, ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ ગોંડલીયા,પીઆઇ, ડામોર, પીઆઇ જાદવ સહિતની ટીમો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી.