ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદને પગલે રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા - દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે આ જિલ્લાઓમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.૮૫૦૦, વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય આપવામાં આવશે.પરંતુ આ યાદીમાં રાજકોટ જિલ્લાનો સમાવેશ ન થતાં જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં જણસીઓ વેંચવા આવેલા ધોરાજી-ઉપલેટા પંથકમાં ખેડૂતોનું વિરોધ નોંધાવતા કહેવું છે કે ચોમાસુ પાક કપાસ અને મગફળી સંપૂર્ણ નિષ્ફળ છે, છતાં સરકારે રાજકોટને બાકાત રાખ્યું છે.
ખેડૂતોએ કહ્યું હતું કે અમે ખેડૂત છીએ, ભિખારી નહીં, રૂ.૮૫૦૦ના પેકેજને મજાક ગણાવ્યું છે અને સંપૂર્ણ દેવામાફીની માંગ કરી છે. ખેડૂતોના મતે આટલી સહાયથી વાવેતરનો ખર્ચ પણ નીકળતો નથી તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં પ્રતિ વર્ષ ઉત્તરોતર જણસીઓની આવકમાં ઉત્તરોતર વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે નબળા વર્ષને કારણે છેલ્લા એક દાયકામાં પહેલી વખત આવકોમાં ઘટાડો નોંધાયો છે, મહત્વપૂર્ણ છે કે ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ વેળાએ પણ યાર્ડમાં જણસીઓની આવકમાં ઘટાડો થયો ન હતો.