રામનાથપરામાં ટ્રસ્ટની દુકાન બાબતે વચ્ચે નહીં પડવાનું કહી યુવક ઉપર પિતા-પુત્રએ પાઇપ અને છરી વડે હુમલો કરતા ઘવાયેલા યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે.
શહેરના રામનાથપરા શેરી નં-1માં કરીમપુર મસ્જિદ સામે રહેતા અને લાખાજીરાજ રોડ પર સાનિયા ડ્રેસીસ નામની દુકાન ધરાવતા આબિદભાઈ ફારૂકભાઈ કામદાર (ઉ.વ.35)એ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અનવર દારૂવાલા તેનો પુત્ર વાજિદ અને મોસીન રફીકભાઇ આકબાણીના નામ આપ્યા છે.
ગઈકાલે રાત્રીના દોઢેક વાગ્યે યુવક અને તેના કાકાનો દીકરો ઘરે જતા હતા ત્યારે રામનાથપરા શેરી નં-22ના કોર્નર પાસે પહોંચતા અનવર દારૂવાલા અને તેનો દીકરો વાજિદએ બૂમ પાડી બોલાવતા બંને તેની પાસે ગયા હતા. અનવરભાઈએ યુવકને કહ્યું હતું કે, કરીમપુરા મસ્જિદ પાસેની ટ્રસ્ટની દુકાનની મેટરમાં કેમ વચ્ચે પડે છે અને અત્યારે કેમ જમાતની મિટિંગમાં ગયો હતો. હું તને જોઈ લઈશ કહી ધમકી આપી હતી. આથી યુવકે સામે કહ્યું હતું કે કાકા તમે સંધિને દુકાન શા માટે ખાલી કરવા કહ્યું હતું. અનવરભાઈએ જણાવેલ કે ત્યાં મારે ઓફિસ કરવી છે અને તે દુકાનનો કબ્જો કરવો છે. આ વાત ચાલુ હતી ત્યારે અન્વારભાઇનો દીકરો વાજિદ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરવા લાગ્યો હતો અને સ્કૂટરમાંથી પાઇપ અને ગુપ્તી જેવું હથિયાર કાઢી હુમલો કર્યો હતો. જયારે મોસીનએ પકડી રાખતા અનવરભાઈએ નેફામાંથી છરી કાઢી પડખામાં ઘા મારી દીધો હતો. બીજો ઘા મારવા જતા યુવકે છરી પકડીને આંચકી લીધી હતી. યુવકને લોહી નીકળવા લાગતા ભત્રીજો આબીદ તેને મધુરમ હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો અને ત્યાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકની ફરિયાદના આધારે પિતા પુત્ર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application