BREAKING NEWS

અઢી વર્ષની પુત્રીને ડૂબાડ્યા બાદ પિતાએ પાણીની ટાંકીમાં કૂદી જીવન ટૂંકાવ્યું, જસદણમાં હૃદયદ્રાવક ઘટના

  • June 23, 2026 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાંથી એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. અહીંની ગેબનશા સોસાયટીમાં આવેલા એક મકાનના ત્રીજા માળે રાખવામાં આવેલી પાણીની ટાંકીમાંથી પિતા અને તેમની અઢી વર્ષની માસૂમ પુત્રીના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલતા કૌટુંબિક કંકાસ અને દીકરીની કસ્ટડીના વિવાદના કારણે પિતાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


દીકરીને પોતાની પાસે રાખવાની જીદ બની આત્મહત્યાનું કારણ

મળતી માહિતી અનુસાર, ગેબનશા સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય ફિયાઝભાઈ પરીયાણીના લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વિખવાદ ચાલી રહ્યો હતો. ફિયાઝભાઈ અને તેમની પત્ની વચ્ચે અવારનવાર થતા ઝઘડા એટલી હદે વધી ગયા હતા કે વાત છેક છૂટાછેડા લેવા સુધી પહોંચી ગઈ હતી. આ દંપતીને સંતાનમાં અઢી વર્ષની એક માસૂમ પુત્રી છે, જેનું નામ નૂર ફાતેમા હતું. છેલ્લા એક અઠવાડિયાથી પતિ-પત્ની વચ્ચે આ માસૂમ દીકરીને પોતાની પાસે રાખવા બાબતે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો હતો. પત્ની દીકરીને પોતાની સાથે રાખીને અલગ થવા માંગતી હતી, જ્યારે ફિયાઝભાઈ પોતાની વ્હાલસોયી દીકરીને કોઈ પણ ભોગે પત્નીને સોંપવા માંગતા ન હતા. દીકરી પ્રત્યેના અતિશય લગાવ અને તેને ગુમાવવાના ડરથી કંટાળીને આખરે પિતાએ પિશાચી પગલું ભરી લીધું હોવાનું મનાય છે.


સમાધાન થાય તે પહેલાં જ સર્જાયો કાળો કેર

આ સમગ્ર મામલે મૃતકના કાકા ઉસ્માનભાઈ પરીયાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી બંને વચ્ચે પુત્રીના હકને લઈને સતત ઝઘડા થતા હતા. જોકે, પરિવારના સભ્યો દ્વારા બંને પક્ષોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેના પરિણામે વાત સમાધાન સુધી પહોંચી પણ ગઈ હતી. ટૂંક સમયમાં જ બંને વચ્ચે સત્તાવાર સમાધાન થવાનું હતું. પરંતુ તે પહેલાં જ આ આઘાતજનક ઘટના ઘટી ગઈ.


તેમણે ઉમેર્યું કે, સવારે ફિયાઝનો નાનો ભાઈ મારી પાસે આવ્યો અને જણાવ્યું કે ફિયાઝ અને દીકરી નૂર ફાતેમા સવારથી ઘરમાં ક્યાંય દેખાતા નથી. આ સાંભળી પરિવારજનોએ ઘર અને આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન જ્યારે તેઓ ઘરના ત્રીજા માળે એટલે કે ટેરેસ પર ગયા, ત્યારે પાણીની ટાંકીમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં ભારે આક્રંદ અને ચીસિયારીઓ મચી ગઈ હતી.


બાળકીને ડૂબાડ્યા બાદ પિતાએ ટાંકીમાં ઝંપલાવ્યું

પ્રાથમિક અનુમાન મુજબ, માનસિક તણાવમાં આવી ગયેલા પિતા ફિયાઝભાઈ વહેલી સવારે દીકરી નૂર ફાતેમાને લઈને અગાસી પર ગયા હતા. ત્યાં તેમણે પહેલા અઢી વર્ષની માસૂમ પુત્રીને પાણીની ટાંકીમાં ડૂબાડી દીધી હોવાની શક્યતા છે અને ત્યારબાદ પોતે પણ તે જ ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. એક હસતા-રમતા પરિવારનો આ રીતે કરુણ અંત આવતા સોસાયટીના રહીશો પણ સ્તબ્ધ થઈ ગયા છે.


પોલીસ તપાસ અને ફોરેન્સિક પિએમની તજવીજ

ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જે. પી. ગોસાઈએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ અને આસપાસના લોકોની પૂછપરછમાં ફિયાઝે કૌટુંબિક કંકાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને મૃતદેહોને ટાંકીમાંથી બહાર કઢાવી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ અને મોતના સમયની સચોટ માહિતી મેળવવા માટે બંને મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application