ગોંડલ શહેર અને આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. અસહ્ય ઉકળાટ અને અકળાવનારા બફારા બાદ, બપોર પછી અચાનક જ જોરદાર પવનના સુસવાટા સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ હતી. માત્ર બે કલાકમાં જ ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર ગોંડલ પંથકના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મેળવી છે. જો કે, આ તોફાની વરસાદ સાથે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
મુખ્ય માર્ગો અને બજારો પાણી-પાણી, એસ.ટી. બસ અંડરબ્રિજમાં ફસાઈ
મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે ગોંડલના મુખ્ય માર્ગો, વ્યસ્ત બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં કમરબૂડ વરસાદી પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદી આફત વચ્ચે ગોંડલના ઉમવાળા અંડરબ્રિજ નીચે ભારે પાણી ભરાઈ જવાને કારણે જૂનાગઢ-દાહોદ રૂટની એક એસ.ટી. બસ મુસાફરો ભરેલી હાલતમાં જ પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઉપરાંત, શહેરમાં ફૂંકાયેલા જોરદાર પવનને કારણે અનેક જગ્યાએ ઘટાદાર વૃક્ષો ધરાશાયી થવાના પણ અહેવાલો સાંપડ્યા છે.
તંત્રની પોલ ખુલી: મોહન પાર્ક અને ગુંદાળા શેરીમાં ભરાયા પાણી
સીઝનના આ પ્રથમ સારા વરસાદે જ ગોંડલ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન (ચોમાસા પૂર્વેની) કામગીરીના દાવાઓની ધજ્જિયાં ઉડાવી દીધી છે. જેતપુર રોડ પર આવેલા મોહન પાર્ક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, પાણી ભરાવવાની સમસ્યા અંગે અગાઉ નગરપાલિકામાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી, જેથી આજે રોષે ભરાયેલા સ્થાનિકો જાતે જ પાણીના નિકાલની વ્યવસ્થા કરતા નજરે પડ્યા હતા. આ સિવાય ગુંદાળા શેરીમાં પણ ઘોડાપૂર જેવા પાણી ભરાયા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે, શહેરમાં ભુગર્ભ ગટરો ચોકઅપ થઈ જવાને કારણે ગટરનું પાણી અંદર જવાના બદલે ઉભરાઈને રોડ પર બહાર નીકળી રહ્યું હતું, જેના કારણે પાલિકાના નબળા આયોજન સામે જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે.