અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં, ડોનાલ્ડ ટ્રમ્પ અને બંદૂક રાખવાના કાનૂની હક અંગે વિવાદ બાદ એક બ્રિટિશ પિતાએ પોતાની પુત્રીની ગોળી મારીને હત્યા કરી દીધી. બંને વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બંદૂક રાખવાના અધિકાર અંગે ઉગ્ર દલીલ થઈ હતી, જેના કારણે યુવતીના પિતાએ આ ભયાનક પગલું ભર્યું હતું.
બીબીસીના અહેવાલ મુજબ, 23 વર્ષીય બ્રિટિશ મહિલા લ્યુસી હેરિસનની હત્યા તેના 51 વર્ષીય પિતા ક્રિસ હેરિસન દ્વારા કરવામાં આવી હતી. આ ઘટના બંને વચ્ચે ટેક્સાસના ઘરે ઝઘડો થયાના થોડા કલાકો પછી બની હતી. આરોપી પિતા પોલીસ પૂછપરછ માટે હાજર થયો ન હતો, પરંતુ તેના વતી કોર્ટમાં લેખિત નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું.
ચેશાયર કોરોનર કોર્ટની સુનાવણીમાં જાણવા મળ્યું કે યુવતી તેના બોયફ્રેન્ડ સેમ લિટલર સાથે રજાઓ દરમિયાન તેના પિતાને મળવા ટેક્સાસ ગઈ હતી ત્યારે 10 જાન્યુઆરી, 2025 ના રોજ ડલ્લાસ નજીક તેને છાતીમાં ગોળી મારવામાં આવી હતી, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. લ્યુસી યુકેના વોરિંગ્ટનની રહેવાસી હતી અને વ્યવસાયે ફેશન બાયર હતી.
મૃતક મહિલાના બોયફ્રેન્ડ, લિટલરે કોર્ટને એક નિવેદનમાં જણાવ્યું હતું કે લ્યુસી અને તેના પિતા ઘણીવાર દારૂ પીવા અને બંદૂક રાખવાને કારણે ઝઘડો કરતા હતા. લ્યુસીના મૃત્યુની સવારે, તેઓ યુકે પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે લ્યુસી અને તેના પિતા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અંગે દલીલ થઈ. જેના પછી લ્યુસી ગુસ્સામાં ઉપરના માળે ગઈ. તે નીચે હતો ત્યારે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળીને, તે રૂમમાં દોડી ગયો અને લ્યુસી બાથરૂમ પાસે ફ્લોર પર પડેલી અને ક્રિસ (પિતા) ચીસો પાડીને બકવાસ કરી રહ્યો હતો.