BREAKING NEWS

ગુજરાતની કાળજું કંપાવતી ઘટના, પિતા ટ્રક રિવર્સ લેતા હતા ને વ્હાલસોયો પુત્ર કચડાયો, જુવાનજોધ દીકરાનું ઘટનાસ્થળે જ મોત

  • December 24, 2025 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કડી તાલુકાના ઈન્દ્રાડ ગામમાં કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. એક કંપનીમાં પિતા ટ્રક રિવર્સ લેતા હતા ત્યારે તેનો જ પુત્ર કચડાતા મોતને ભેટ્યો હતો. 19 વર્ષના જુવાનજોધ દીકરાનું ઘટનાસ્થળે જ મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. 


મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા દેવારામ ચૌધરી ટ્રક ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 19 વર્ષીય પુત્ર મુકનારામ પણ પિતાને કામમાં મદદ કરવા તેમની સાથે જ રહેતો હતો. આ પિતા-પુત્ર તારીખ 23 ડિસેમ્બર, 2025ના રોજ રાજસ્થાનના જેસલમેરથી ટ્રક (નંબર RJ-19-GE-3165)માં માલસામાન ભરીને કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની સીમમાં આવેલી 'ગ્રીનફિલ્ડ ડેરિવેટિવ્ઝ પ્રાઈવેટ લિમિટેડ' કંપનીમાં અનલોડિંગ માટે આવ્યા હતા. 


લોખંડનું સ્ટેન્ડ ખસેડવા ગયો અને મોત મળ્યું

ઘટના સવારના આશરે સાત વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે કંપનીમાં ટ્રકમાંથી માલ ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ટ્રક ચાલક પિતા દેવારામભાઈ ટ્રકને રિવર્સ લઈ રહ્યા હતા, જ્યારે તેમનો પુત્ર મુકનારામ પાછળ ઉભો રહીને ટ્રકને સાઈડ આપી રહ્યો હતો. આ દરમિયાન દીવાલ અને અનલોડિંગ સ્ટેન્ડની વચ્ચે એક લોખંડનું સ્ટેન્ડ પડ્યું હતું, જેને ખસેડવા માટે મુકનારામ ત્યાં ગયો હતો. આ સમયે પિતા દેવારામભાઈનું ધ્યાન ન રહેતા તેમણે ટ્રક રિવર્સ લેવાનું ચાલુ રાખ્યું હતું.


પોતાની જ ભૂલથી નજર સામે પુત્રનું મોત

પળવારમાં જ મુકનારામ દીવાલ, લોખંડના સ્ટેન્ડ અને ટ્રકના પાછળના ભાગની વચ્ચે આવી ગયો હતો. ટ્રક વચ્ચે દબાઈ જવાથી તેને શરીરે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પુત્રની બૂમાબૂમ સાંભળી પિતાએ તુરંત ટ્રક રોકી નીચે ઉતરીને જોયું તો પુત્ર લોહીલુહાણ હાલતમાં ફસાયેલો હતો. જોકે, ગંભીર ઈજાઓને કારણે 19 વર્ષીય મુકનારામનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોતાની જ ભૂલથી નજર સામે પુત્રને ગુમાવતા પિતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News