BREAKING NEWS

રાજકોટના 6 વોર્ડમાં ભાજપની પેનલ ખંડિત થવાની ભીતિ, આઈબીનો ચોંકાવનારો અહેવાલ; ડેમેજ કન્ટ્રોલ માટે પ્રયાસો

  • April 22, 2026 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકોની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ને રવિવારના રોજ યોજાનાર મતદાન પૂર્વે શહેરના પાંચથી છ વોર્ડમાં ભાજપની પેનલ ખંડિત થવાની ભીતિ હોવાના આઇબીના નિર્દેશ બાદ નેતાઓ ચોંકી ઉઠ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. મહાનગરપાલિકાની ચૂંટણીની ચર્ચા તો શેરીએ ગલીએ થવી જોઇએ અને ગત ચૂંટણી સુધી થતી હતી પરંતુ આગામી ચૂંટણી આડે હવે ફક્ત ત્રણ દિવસ બાકી રહ્યા છે તેમ છતાં ચૂંટણીનો માહોલ જામતો નથી.


વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જે નિર્દેશ મળ્યા છે તે મુજબ વોર્ડ નં.૪માં ભાજપના ગઢમાં આપ ગાબડું પાડી જાય તેવી ભીતિ છે. વોર્ડ નં.૬માં ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કોળી સમાજના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવની જીતની શક્યતા છે. આ ઉપરાંત વોર્ડ નં.૧૧ અને વોર્ડ નં.૧૨માં આપ ગાબડું પાડી એકાદ- બે બેઠક છીનવી શકે છે. વોર્ડ નં.૧૫માં કોંગ્રેસ ચારેય બેઠકો સાથે વોર્ડ જાળવી રાખે તેવા સંજોગો છે. જંગલેશ્વર વિસ્તારના વોર્ડ નં.૧૬માં પણ કોંગ્રેસ અને આપ એકાદ બે બેઠક છીનવી શકે છે.


ભાજપનો ગઢ નહીં પરંતુ ભાજપની લેબોરેટરી મનાતા રાજકોટ શહેરની મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાઇ ગયા બાદ જે ડેમેજ કન્ટ્રોલ થઇ જવું જોઇએ તે હજુ સુધી થઇ શક્યું નથી અને તેની સ્પષ્ટ અસર પરિણામ ઉપર જોવા મળે તેવી પ્રબળ સંભાવના હોવાનું ચર્ચાય રહ્યું છે. માઇક્રો મેનેજમેન્ટ માટે જાણીતા પક્ષમાં એકાએક આટલી હદે મિસ મેનેજમેન્ટ કેમ થવા લાગ્યું તે બાબત આગેવાનો અને કાર્યકર્તાઓ સમજી શકતા નથી. તમામ પ્રકારના સાનુકૂળ સંજોગો વચ્ચે ચૂંટણી જાહેર કરાઇ પરંતુ ઉમેદવારોની પસંદગીમાં જાણી જોઇને જોખમ લીધું કે પછી ભાંગરો વાટ્યો જે કંઇ બન્યું તે પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ કંટ્રોલ થતી નથી તે વાસ્તવિકતા છે.


રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે એક સાથે ૪૫ સિટિંગ કોર્પોરેટરોની ટિકિટ કાપી છે અને નવા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે આથી જેમની ટિકિટ કપાઇ છે તેમાંથી મોટા ભાગના પૂર્વ કોર્પોરેટરો પ્રચારમાં સાથે જોડાતા નથી અથવા તો ફોટો પડાવી કે રીલ્સ માટેનું શુટિંગ થાય તેટલો સમય હાજરી આપી રવાના થઇ જાય છે. શહેર સંગઠનની સંરચના પણ તાજેતરમાં જ થઇ હોય હોદેદારો નવા અને બિનઅનુભવી છે. એકંદરે વોર્ડમાં જમીની સ્તરે પૂર્વ કોર્પોરેટરો, ઉમેદવારો અને સંગઠન માળખાના હોદ્દેદારો વચ્ચે તાલમેલના અભાવે સંકલનનો શૂન્યવકાશ સર્જાયો છે, આ સ્થિતિને થાળે પાડવા હવે વોર્ડ વાઇઝ વાલી તરીકે એક એક સિનિયર નેતા અને ત્રણથી ચાર વોર્ડ દીઠ એક-એક સિનિયર નેતાને સંકલન ઈનચાર્જ તરીકે નિયુક્ત કરવા પડ્યા છે, ભૂતકાળમાં આવું ક્યારેય કરવું પડ્યું નથી.


રાજકીય નારાજગી ઉપરાંત આ વખતે ભાજપે સામાજિક નારાજગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ભાજપની વોટ બેન્ક ગણાતા લોહાણા સમાજની રાજકોટ શહેરમાં ત્રણ લાખની વસતી અને ૧.૭૫ લાખ મતદારો હોય તે પ્રમાણે પશ્ચિમ રાજકોટ વિધાનસભા ક્ષેત્ર હેઠળના વોર્ડમાં કુલ સાત ટિકિટ માંગી હતી તેની સામે ફ્ક્ત વોર્ડ નં.૭, વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૧૦માં ત્રણ ટિકિટની ફાળવણી કરાઇ અને તે પણ ફક્ત મહિલાઓને ટિકિટ આપતા આજે લોહાણા સમાજનું મહાસંમેલન યોજાનાર છે જેમાં સર્વ ક્ષેત્રના રઘુવંશી આગેવાનો ઉમટશે. વોર્ડ નં.૧, ૨ અને ૩માં ભાજપે લોહાણા સમાજને ટિકિટ નહીં આપી અન્યાય કર્યાનો સૂર ઉઠ્યો છે. લોહાણા ઉપરાંત અન્ય અમુક સમાજ કે જે સમાજને એક પણ ટિકિટ અપાઇ નથી તેવા અન્ય અનેક સમાજમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.


રાજકોટમાં સ્થિતિ વણસવાના ચર્ચાતા કારણો

1.45 સીટિંગ કોર્પોરેટરોની ટિકિટ કાપી

2. ઉમેદવારોની પસંદગીમાં થાપ

3. પૂર્વ કોર્પોરેટરો-ઉમેદવારો વચ્ચે અણબનાવ

4. ઉમેદવારો-સંગઠન વચ્ચે સંકલનનો અભાવ

5. સંગઠનના પૂર્વ હોદેદારોની ઉપેક્ષા

6. ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળતા, માઇક્રો મેનેજમેન્ટ ચૂકાયું

7. સ્થાનિક ચુનંદા નેતાઓને રાજકોટ બહાર મોકલી અન્ય જવાબદારી સોંપી

8. પ્રચાર-પ્રસારનો અભાવ

9. એન્ટી ઇન્કમ્બન્સી

10. કોંગ્રેસ-આપએ વોર્ડના સોશ્યલ એન્જિનિયરિંગ મુજબના ઉમેદવારો મુક્યા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application