બંગાળની ખાડીમાં સર્જાયેલું અકવાન વાવાઝોડું વધુ શક્તિશાળી બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડું 20 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડાની અસરથી આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને તેલંગાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું વાવાઝોડું છેલ્લા છ કલાક દરમિયાન કલાકના આશરે ત્રણ કિલોમીટરની ઝડપે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું હતું. તેની ગતિ ધીમી હોવા છતાં દરિયામાં અનુકૂળ પરિસ્થિતિને કારણે તે વધુ શક્તિશાળી બની શકે છે.
વાવાઝોડું દરિયાકાંઠાની નજીક પહોંચતાં ચેન્નાઈ અને ઉત્તર તમિલનાડુના જિલ્લાઓમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ 20 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચતાં પહેલાં અકવાન અત્યંત શક્તિશાળી ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તેના કારણે ભારે વરસાદ ઉપરાંત તોફાની પવન ફૂંકાવાની આશંકા છે.
ઓડિશા સરકારે સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા બે લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની તૈયારી શરૂ કરી છે. ખાસ કરીને ભૂસ્ખલનની શક્યતા ધરાવતા પહાડી વિસ્તારો અને જોખમી સ્થળો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.