ગિરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષે એક અનોખો વિવાદ સામે આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને પર્યટકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. મધ્યરાત્રિના શુભ મુહૂર્તે ભક્તો દ્વારા મૃગીકુંડમાં પવિત્ર ડૂબકી લગાવવાની પરંપરા નિભાવવામાં આવી રહી હતી ત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ દ્વારા મૃગીકુંડમાં ડૂબકી લગાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો.
મેળા દરમિયાન ફરજ પર રહેલી મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. મોડે કીર્તિ પટેલ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કીર્તિ પટેલે મહાશિવરાત્રી મેળા દરમિયાન પોલીસની સૂચનાઓનું પાલન ન કરતાં ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે કેટલીક માર્ગદર્શિકાઓ અમલમાં મુકવામાં આવી હતી, જેનો ભંગ થવાથી કાયદેસરની કાર્યવાહી કરવી પડી.
મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકી સમગ્ર મામલાને વધુ ગરમાવ્યો હતો. પોસ્ટમાં તેમણે આક્ષેપ કર્યો કે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુના ઈશારે જ તેમને મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કીર્તિ પટેલે વધુમાં દાવો કર્યો કે તેઓ પાસે સંબંધિત પુરાવા છે અને તે રાત્રે 9 વાગ્યે જાહેર કરશે. “હું કદાચ શબ્દોથી ખરાબ હોઈશ, પરંતુ અન્યાય સહન નહીં કરું,” એમ તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું.
આક્ષેપોને લઈને ધાર્મિક વર્તુળોમાં ચર્ચા અને પ્રતિક્રિયાઓનો માહોલ સર્જાયો છે. આશ્રમ તરફથી પ્રાથમિક પ્રતિભાવમાં આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવે છે. મહંત ઇન્દ્રભારતી બાપુ અથવા આશ્રમ તરફથી સત્તાવાર વિગતવાર નિવેદન હજી સુધી જાહેર થયું નથી. જૂનાગઢ શહેરમાં આ ઘટનાને પગલે ચર્ચાઓ તેજ બની છે. પોલીસ તંત્રએ જણાવ્યું છે કે સમગ્ર મામલે કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર પ્રસારિત દાવાઓની પણ તપાસ કરવામાં આવશે. મહાશિવરાત્રી જેવા પવિત્ર અવસરે ઉભા થયેલા આ વિવાદે ભક્તો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે.