રાજકોટ આત્મહત્યાનું એપી સેન્ટર બન્યું છે, ગઈકાલે રાત્રે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બન્યાના 12 કલાકમાં જ વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે ઝેરી દવા પી લેતા મોત થયું છે. આપઘાતના પ્રાથમિક કારણોમાં આંચકીની બીમારી કારણભૂત હોવાનું જણાઈ રહ્યું છે. બનાવને પગલે પ્ર.નગર પોલીસ દોડી ગઈ હતી.
ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા માઉન્ટેન પોલીસ લાઈનમાં આવેલા ક્વાર્ટરમાં રહેતા ભુમિકાબા કનકસિંહ વાઘેલા (ઉં.વ.27)ના પોલીસકર્મી યુવતીએ આજે બપોરે ક્વાર્ટર ખાતે હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
માઉન્ટેન પોલીસ ક્વાર્ટરમાં એકલા રહેતા
આપઘાત કરનાર ભુમિકાબા એક ભાઈ બહેનમાં મોટા હતા અને મધ્યસ્થ જેલ પાસે આવેલા માઉન્ટેન પોલીસ ક્વાર્ટરમાં એકલા રહેતા. હાલમાં બી ડિવિઝન પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ભુમિકાબાને આંચકીની બીમારી હોય તેની દવા પણ ચાલુ હતી. બીમારીના કારણે પગલું ભરી લીધાનું પ્રાથમિક કારણ જણાઈ રહ્યું છે. બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવતા પરિવાર હોસ્પિટલએ પહોંચી દીકરીનો મૃતદેહ જોઈ આક્રંદ સર્જ્યો હતો.