#teamaajkaal
રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, જેમાં એરપોર્ટ ફાટક નજીક દિવાળીની રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. દુકાન બહાર ફટાકડા ફોડવાની નાની બાબતમાં 'હું PSIનો પુત્ર છું' કહીને રોફ જમાવનાર શખ્સે પોતાના સાગરીતો સાથે મળી મહિલા વેપારી અને તેમના ભાગીદાર પર હુમલો કરી દુકાન પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ જતાં પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર, એરપોર્ટ ફાટક પાસે મોબાઇલની દુકાન ચલાવતા મહિલા વેપારી ગુંજનબેન ગણાત્રા 9 નવેમ્બરની રાત્રે આશરે 2 વાગ્યે પોતાના પાર્ટનર અનિકેત ખખ્ખર, કર્મચારીઓ અને અન્ય લોકો સાથે દુકાન બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. તે દરમિયાન એક સફેદ એક્ટિવા પર આવેલા શખ્સે 'રોડ પર કેમ ફટાકડા ફોડો છો' તેમ કહી બોલાચાલી કરી હતી. થોડીવાર પછી તે ફરી આવ્યો અને "હું અભિજીત પરમાર, PSIનો છોકરો છું" તેમ કહી ધમકી આપવા લાગ્યો હતો. પાર્ટનરે આ બાબતનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરતાં તે ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ આશરે 2:15 વાગ્યાના સુમારે આ શખ્સો ફરીથી ઉશ્કેરાઈને આવ્યા હતા અને ગાળાગાળી કરી હાથાપાઈ કરવા લાગ્યા હતા. આ દરમિયાન અભિજીત પરમાર અને તેના સાથી કામિલ સંધિએ દુકાન પર પથ્થરો તેમજ ફૂટપાથના બ્લોકના ઘા મારી આતંક મચાવ્યો હતો. પીડિત મહિલા વેપારીએ તાત્કાલિક 112 જનરક્ષક હેલ્પલાઇન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોલ સતત વ્યસ્ત આવતો હતો. આ દરમિયાન નજીકથી પસાર થયેલી 112ની ગાડી પણ શરૂઆતમાં રોકાઈ ન હોવાનો આક્ષેપ કરાયો છે.
ઘટના સમયે કામિલ સંધિ ગાળો આપતો હતો અને તેને છોડાવવા આવેલ તેના પરિચિત વ્યક્તિ સાથે પણ તેણે હાથાપાઈ કરી હતી. આખરે 112 PCR વાન સ્થળ પર પહોંચતા જ અભિજીત પરમાર અને કામિલ સંધિ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં જ્યારે મહિલા વેપારી ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે પણ આ આવારા તત્વોએ ફરીથી દુકાને પહોંચીને પથ્થરમારો કર્યો હોવાની જાણ પાર્ટનરના પત્ની સીમાબેને ફોન દ્વારા કરી હતી.
પોલીસ પુત્ર હોવાની ઓળખ આપી સામાન્ય જનતા પર રોફ જમાવનારા અને દાદાગીરી કરનારા આ તત્વો સામે પ્રદ્યુમનનગર પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે ગુંજનબેન ગણાત્રાની ફરિયાદના આધારે અભિજીત પરમાર, કામિલ સંધિ અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.