BREAKING NEWS

સુરતમાં કિન્નરના બે જૂથ વચ્ચે મારામારી, લાકડાના ફટકા અને ચપ્પુ વડે આડેધડ હુમલો કરાયો

  • August 03, 2026 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત શહેરના લસકાણા વિસ્તારમાં કિન્નરોના બે જૂથો વચ્ચે અંદરોઅંદરની જૂની અદાવતમાં લોહિયાળ હિંસા થઈ હોવાની ચકચારભરી ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં રહીને ટ્રેડ બેગિંગ દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા ૨૯ વર્ષીય કિન્નર સપનાકુંવર નંદનીકુંવર પર પાંચ જેટલા વિરોધી કિન્નરોએ એકસંપ થઈને જીવલેણ હુમલો કર્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર બપોરના સમયે પૂજા બાબતે થયેલી સમાન્ય બોલાચાલીની અદાવત રાખીને આરોપીઓ લસકાણા સ્થિત ઘર સુધી પહોંચી ગયા હતા અને હિંસક હુમલો કરી ફરાર થઈ ગયા હતા.


રેલવે સ્ટેશન પર સામાન્ય વાતે ઝઘડાની શરૂઆત થઈ

ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, ગત ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યાના સુમારે સપનાકુંવર તેમના કિન્નર મિત્રો સાથે સુરત રેલવે સ્ટેશન પર હાજર હતા. આ દરમિયાન તેઓ ચૈત્ર મહિનામાં મહાકાળી માતાજીની પૂજા કરવા અંગે અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે નજીકમાં બેઠેલા ખુશીકુંવર નામના કિન્નરે 'તમે મારી કેમ વાતો કરો છો' તેમ કહીને અચાનક ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં આ બોલાચાલી વધી ગઈ હતી અને બંને જૂથ વચ્ચે મારપીટના દ્રશ્યો સર્જાયા હતા.


રાત્રે મિત્રના ઘરે રસોઈ બનાવતી વખતે ઘરમાં ઘૂસ્યા હુમલાખોરો

રેલવે સ્ટેશન પરથી છૂટા પડ્યા બાદ સાંજના આશરે ૭:૦૦ વાગ્યે સપનાકુંવર લસકાણાના વિપુલનગરમાં રહેતા પોતાના મિત્ર દીપકુંવરના ઘરે પહોંચ્યા હતા. ત્યાં દીપકુંવર અને સમીરાકુંવર સાથે મળીને તેઓ રાત્રિનું ભોજન બનાવી રહ્યા હતા. તે જ સમયે રાત્રિના ૮:૦૦ વાગ્યાની આસપાસ બપોરના ઝઘડાની અદાવત રાખીને શુભકુંવર, બ્યુટીકુંવર અને હાથમાં લાકડાનો ફટકો લઈને જમનાકુંવર નામના હુમલાખોરો અચાનક ઘરમાં ઘૂસી આવ્યા હતા.


લાકડાના ફટકા અને ચપ્પુ વડે આડેધડ હુમલો કરાયો

ઘરમાં ઘૂસેલા આરોપીઓએ સપનાકુંવર અને તેમના મિત્રોને ગંદી ગાળો આપીને ઢીક્કામુક્કીનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલા દરમિયાન શુભકુંવર અને બ્યુટીકુંવરે સપનાકુંવરને મજબૂતીથી પકડી રાખ્યા હતા, જ્યારે જમનાકુંવરે લાકડાના ફટકા વડે તેમના શરીર પર આડેધડ ઘા ઝીંક્યા હતા. મારપીટ ચાલુ હતી ત્યારે ખુશીકુંવર પણ ત્યાં દોડી આવ્યા હતા અને સપનાકુંવરને છાતીના ભાગે જોરથી લાત મારીને નીચે પાડી દીધા હતા.


આત્મબચાવમાં હાથ આડો ધરતાં લોહીલુહાણ ઈજાઓ પહોંચી

નીચે પડી ગયેલા સપનાકુંવર પર ખુશીકુંવરે રસોડામાં પડેલું શાક સમારવાનું તીક્ષ્ણ ચપ્પુ ઊંચકીને સીધો પ્રાણઘાતક ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સપનાકુંવરે પોતાના બચાવમાં ત્વરિત જમણો હાથ આડો ધરતાં ચપ્પુ તેમના હાથમાં વાગી ગયું હતું, જેના કારણે તેઓ સ્થળ પર જ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલા બાદ ઈજાગ્રસ્ત સપનાકુંવરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ અંગે પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application