દક્ષિણ રાજકોટના ભાજપના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભક્તિનગર સ્થિત કાર્યાલય ખાતે ગઇકાલે મોડી સાંજે વોર્ડ નં.૧૪માં ભાજપની જીત અને લીડ મામલેની ચર્ચા દરમિયાન ભાજપના નવનિયુક્ત કોર્પોરેટર અરૂણાબેન આડેસરા અને રાજકોટ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી મહેશ મિયાત્રા વચ્ચે બઘડાટી બોલી ગઇ હોવાનું જાણવા મળે છે. ચૂંટણી પહેલા, ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી તેમ ત્રણ-ત્રણ વખત ધારાસભ્ય ટીલાળાના કાર્યાલયે અલગ અલગ આગેવાનો વચ્ચે માથાકૂટ થતા આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
સૌપ્રથમ મહાપાલિકાની ચૂંટણી વેળાએ દાવેદારોની ટિકિટ કપાતા વોર્ડ નં.૧૩ના ભાજપના એક પૂર્વ કોર્પોરેટર તેમજ ભાજપના અમુક કાર્યકરો ધારાસભ્યના કાર્યાલયે ધસી ગયા હતા અને ઉગ્ર માથાકૂટ કરી હતી, આ ઘટના પણ મોડી સાંજે બની હતી અને ત્યારબાદ સ્ટાફ કાર્યાલય બંધ કરી રવાના થઇ ગયો હતો.
ઉપરોક્ત બાદ બીજી ઘટના બાદ ચૂંટણી દરમિયાન વોર્ડ નં.૭ના ઉમેદવાર ડો.નેહલ શુક્લ અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે બોલાચાલી થઇ હતી જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જ્યારે ગઇકાલે મોડી સાંજે ધારાસભ્યના કાર્યાલયે પ્રધાનમંત્રીના સોમનાથ કાર્યક્રમ માટે રાજકોટથી મેદની લઇ જવા માટેનું આયોજન અને તૈયારી ચાલી રહી હતી જે દરમિયાન વોર્ડ નં.૧૪ના નવા ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર અરૂણાબેન આડેસરા અને બક્ષપંચ મોરચાના મહામંત્રી મહેશ મિયાંત્રા વચ્ચે વોર્ડ નં.૧૪માં ભાજપના ઉમેદવારોને મળેલી લીડને લઈને મોટી માથાકૂટ થઇ હતી.
વિશેષમાં સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, અરુણાબેન આડેસરા એવું બોલ્યા હતા કે, સોની સમાજના મતદારોને કારણે જ ભાજપને આટલી લીડ મળી છે, આવું બોલતા મામલો બીચક્યો હતો અને મહેશ મિયાત્રા અને અરુણાબેન આડેસરા વચ્ચે તુ તુ મે મે થતાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ચાલતી પકડી હતી. દરમિયાન મહેશ મિયાત્રાએ એવું કહ્યાની ચર્ચા છે કે જો તમારા કારણે જ ભાજપને લીડ મળી હોય તો સોમનાથ જવા માટેની બસોની જવાબદારી પણ તમને જ સોંપવી જોઈએ હવે તમે જ મેદની એકત્રિત કરીને બસ ભરી આપજો...! માથાકૂટ વેળાએ સંગઠનના અનેક કાર્યકર્તાઓ હાજર હતા પરંતુ આ મામલે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જ્યારે માથાકૂટ બાદ બન્ને આગેવાનોએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા હતા..! તેમ જાણવા મળે છે.