ફિલ્મ પ્રોડ્યુસર કમ ડાયરેકટર કમ એકટર જયેશ ઠાકોરે ૧૫ વર્ષની તરૂણીને ફિલ્મમાં હિરોઇન તરીકે સાઇન કરવાની લાલચ આપી તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીએ તરૂણીને કોઇ વસ્તુ ખવડાવી દઇ અર્ધબેભાન કરી વારંવાર બદકામ કર્યું હતું.
15 વર્ષની પીડિતાએ પોલીસ ફરિયાદ કરી
બનાવ અંગે રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતી ૧૫ વર્ષીય આઈટીઆઈની છાત્રાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજકોટના રેલનગર વિસ્તરમાં રહેતાં ફિલ્મ પ્રોડ્યુસર કમ ડાયરેકટર કમ એકટર અને રાજકીય આગેવાન ગણતાં જયેશ હંસરાજ ઠાકોરનું નામ આપ્યું છે. તેણી તેના માતા સાથે રહી હાલ ઘરકામ કરે છે. પિતા દોઢ મહીના પહેલા અવસાન પામ્યા છે. આજથી બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમા એક ગુજરાતી ફિલ્મમા કલાકાર બનવા માટે ઓડિશનની જાહેરાત જોયેલ હતી, જે આધારે તે અને તેમની માતા બંન્ને જયેશ ઠાકોર જેમની પાટીદાર ચોક સાધુવાસવાણી રોડ પાસે પ્રાઇડ ક્લાસિક કોમ્પલેક્ષમાં ઓફિસ નંબર ૭૦૧ તથા ૭૦૨માં બાદશાહ ડાન્સ ક્લાસિસ ચાલુ હોય ત્યાં ઓડિશન દેવા માટે ગઈ હતી.
માતા-પુત્રીને જયેશ ઠાકોર સાથે ઓળખાણ થઈ
ત્યારથી માતા-પુત્રીને જયેશ ઠાકોર સાથે ઓળખાણ થઈ હતી. આરોપી દ્વારા જણાવેલ કે, થોડા દિવસ પછી હું તમને ઓડિશન માટે બોલાવીશ અને તેણીના મમ્મીના મોબાઈલ નંબર તેને લખાવેલ અને તેના પર ફોન કરવા જણાવેલ હતું. જે બાદ તેણીના મમ્મીના મોબાઇલ નંબર ઉપર જયેશ ઠાકોરનો ફોન આવેલ અને જણાવેલ કે, ઓડિશન માટે કાલે આવજો.
તમારે થોડી ડાયલોગની પ્રેક્ટિસની જરૂર છે
જે બાદ તેણી તેની માતા સાથે ઓડિશન દેવા ગયેલ ત્યારે આરોપીએ કહ્યું કે, તમારે થોડી ડાયલોગની પ્રેક્ટિસની જરૂર છે, જેથી તમે ક્લાસિસ ખાતે પ્રેક્ટિસ કરવા આવવું પડશે અને દોઢેક મહિના બાદ મારા મુવીનુ શુંટીંગ છે, જો તમને એક્ટિંગ સરખી આવડી જાય તો હું તમને તે મુવીમા હિરોઇનનો રોલ આપીશ. જેથી તેણી ત્યાં પ્રેક્ટિસ કરવા જતી હતી, ત્યારે આ જયેશ ઠાકોર કહેતો કે, મુવીમા કામ કરવા માટે તને હિરોઇનનો રોલ આપવામા આવે તો તારે મારી સાથે શરીર સ્પર્સ જેવા સીન લેવાના હોય છે, જેથી તારે હું કહું તેમ મારી નજીક રહી આંખ સાથે આંખ મળાવી રોલ કરવાનો રહેશે તેમ કહી તે શરીર સાથે સ્પર્શ કરતો હતો.
બાથમાં ભીડી સગીરા સાથે કિસ કરવાની હરકત કરી
આ દરમિયાન એક વખત જયેશ ઠાકોરે તેણીને બાથમા ભીડી તેણી સાથે કિસ કરવાની હરકત કરેલ જેથી તેણીએ પ્રેક્ટિસમા જવાની ના પાડી દીધી હતી. આ જયેશે તેણી પ્રેક્ટિસમાં ન જતા મમ્મીને ફોન કરી કહ્યું કે, તમારી દીકરી પ્રેક્ટિસમાં મોકલો હમણા મુવીનુ શુંટીંગ કરવાનું છે તેમ કહેતા મમ્મીએ પ્રેક્ટિસ માટે ફરીથી જવાનું કહેતા તેણી ફરીથી જવા લાગેલ અને બાદમા આરોપીએ એક ગુજરાતી ફિલ્મ બનાવવાનુ નક્કી કરેલ અને તેમા ઓફિસના મેડમ તરીકેનો રોલ આપવામા આવેલ હતો.
અર્ધબેભાન થઈ જાય ત્યારે જયેશ સગીરા પર દુષ્કર્મ આચરતો
ત્યારે તે ફિલ્મનું શુટિંગ દોઢેક મહિના ચાલેલ હતું. રાજકોટમાં જ આ ફિલ્મનુ શુટિંગ કરેલ હતું. આ ફિલ્મ પૂરૂ થઈ જતા જયેશ ઠાકોર તેની ઓફિસે ઇવેન્ટના બહાને ઇવેન્ટ મેનેજમેન્ટનુ કામ આપી બોલાવતો હતો. તેણીને ફિલ્મમા હિરોઇન બનાવવાની લાલચ આપી તેણી સાથે ઓફિસમાં જ શરીર સંબંધ બાંધતો હતો. તેમજ ઘણી વખત ખાણીપીણીની વસ્તુ ખવડાવતો હતો અને તુરંત જ તેણી અર્ધબેભાન જેવી થઈ જતી અને આ જયેશ ઠાકોર તેણી સાથે શરીર સંબંધ બાંધતો હતો. બાદમાં તેણી ભાનમાં આવી જતા આ જયેશ ઠાકોરને કહેતી કે, તમે મારી સાથે આવું શું કામ કરો છો? જેથી તે કહેતો કે કોઈને વાત કરીશ તો હું તને મૂવીમાં રોલ નહીં આપું અને ફિલ્મમાં કામ કરવું હોય તો આવું તો કરવું જ પડે, જેથી તેણી આ બાબતે કોઈને વાત કરતી ન હતી અને મુંગા મોઢે સહન કરતી હતી.
દોઢ મહિના પહેલા પિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો
દોઢેક મહિના પહેલા તેણીના પિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ એકાદ મહિના પહેલા આરોપીએ તેણીના મમ્મીના મોબાઈલ ફોન પર ફોન કરેલ અને તેણી સાથે વાત કરી કહેલ કે, તું કયારે ઓફિસે આવીશ જેથી તેણે કહેલ કે, તમે મને ખૂબ હેરાન કરો છો, હું તમારાથી કંટાળી ગયેલ છું, હું આવવાની નથી. તરૂણીની માતાએ તેને જમીનના કાગળો લઈ જયેશ ઠાકોરની ઓફિસે દેવા જવાનું કહેતા તેમની ઓફિસે જવાની ના પાડતા ગુસ્સે થઈ આ બાબતનું કારણ પૂછતા તેણે પોતાની આપવીતી જણાવી હતી. જયેશ તથા તરૂણીની મમ્મી વચ્ચે ભાઈ બહેનનો સબંધ હોય જેથી આ વાત સાંભળી તેણીના માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં આ અંગે ફરિયાદ નોંધવતા યુનિ.પોલીસે ગુનો નોંધી પીઆઇ એચ.એન.પટેલની રાહબરીમાં પીએસઆઇ એન.વી.ચાવડા, આઇ.એ.બેલીમ તથા ટીમે કાર્યવાહી કરી આરોપી જયેશ હંસરાજભાઇ(ઠાકોર) તંબોલીયાાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સગીરા ગુમ થયા બાદ જયેશ જ ભલામણ કરવા ગયો’તો
સગીરા ગઈ તા.૨-૦૯ એટલે કે એક માસ પહેલાં જ ઘરેથી ગુમ થઈ ગઈ હતી. ત્યારે તેની માતાએ જેને ભાઈ માન્યો હતો તે જયેશ ઠાકોર પાસે પહોંચી હતી. ત્યારે આરોપી યુનિ. પોલીસ મથકે પહોંચી રોફ જમાવતો હતો.
જયેશ ઠાકોર સામે વાહન ચોરી, છેતરપિંડી સહિતના ગુના
જયેશ ઠાકોરનું અગાઉ વાહન ચોરીમાં પણ નામ ખુલ્યું હતું. તેમજ યુનિ. વિસ્તારમાં જ એક રેલવે કર્મીનું મકાન તેમજ અન્ય કેટલીય મિલકતો પર કબ્જો જમાવી લેતો હતો. અગાઉ નોટબંધી વખતે તેના વિરુદ્ધ છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધાતા પોલીસે તેની આકરી સરભરા પણ કરી હતી.