BREAKING NEWS

ફિનલેન્ડમાં ખુલશે દુનિયાનો પહેલો પરમાણુ કચરો ભંડાર, રેડિયેશનનો કોઈ ખતરો નહીં રહે

  • October 25, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિનલેન્ડ દુનિયાનો પહેલો એવો દેશ બનવા જઈ રહ્યો છે જે પરમાણુ કચરાને કાયમી ધોરણે જમીનની નીચે સુરક્ષિત રાખશે, જેના માટે 'ઓનકાલો' કેન્દ્રને પરવાનગી મળી ગઈ છે. ફિનલેન્ડમાં ઉપયોગમાં લેવાઈ ચૂકેલા પરમાણુ ઇંધણને સુરક્ષિત રાખવાના અત્યાધુનિક ઉપાયો કરવામાં આવ્યા છે. દુનિયાનો પહેલો દેશ બનવાની આ સિદ્ધિ મેળવતા પહેલા અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને અનેક મહત્વપૂર્ણ પરીક્ષણોમાંથી પસાર થવું પડ્યું હતું. તમામ રિપોર્ટ્સ યોગ્ય અને સુરક્ષિત હોવાનું સાબિત થયા બાદ સરકારે તાજેતરમાં જ 'ઓનકાલો' કેન્દ્રને સંચાલિત કરવા માટેનો પરવાનો (લાઇસન્સ) આપ્યો છે.


હાલમાં દુનિયાની વર્તમાન વ્યવસ્થા શું છે?

હાલની સ્થિતિએ વિશ્વના કોઈપણ દેશમાં પરમાણુ કચરાને સંગ્રહિત કરવા માટેની કોઈ કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. મોટાભાગના દેશો તેને અસ્થાયી સંગ્રહ કેન્દ્રોમાં જ રાખે છે.


આ કેન્દ્રની વિશેષતાઓ શું છે?

જમીનની નીચે તૈયાર કરાયેલી આ અનોખી રચનાનું કામ 22 વર્ષ પહેલા શરૂ થયું હતું. ઓનકાલોમાં બનેલા આ કેન્દ્રમાં ફિનલેન્ડના 5 પરમાણુ રિએક્ટરોમાંથી નીકળતો કચરો સંગ્રહિત કરી શકાશે. આ કેન્દ્રની ક્ષમતા 6500 ટન યુરેનિયમ સંગ્રહ કરવાની છે.


કચરો કેવી રીતે રાખવામાં આવશે?

પરમાણુ કચરાને સૌપ્રથમ તાંબાના (કોપર) ડબ્બામાં પેક કરવામાં આવશે. આ ડબ્બાની ખાસિયત એ હશે કે તેમાં ક્યારેય કાટ લાગશે નહીં. આ પછી તેને ચટ્ટાનોની નીચે ઊંડા ખાડામાં સુરક્ષિત રીતે ગોઠવવામાં આવશે. તેની આસપાસ ખાસ પ્રકારની માટી ભરીને તેને કોંક્રીટથી સંપૂર્ણપણે જામ કરી દેવામાં આવશે, જેથી કચરો કે તેનું રેડિયેશન બહાર ન નીકળી શકે.


સંબંધિત કંપનીએ જણાવ્યું છે કે 100000 વર્ષ પછી આ કચરામાંથી નીકળતું રેડિયેશન ઘટવા લાગશે અને તે કુદરતી યુરેનિયમની સપાટીની નજીક પહોંચી જશે, જેનાથી જોખમ નહિવત થઈ જશે.


ભારતની સ્થિતિ અને પરમાણુ કચરાના નિકાલની નીતિ

ભારતમાં હાલમાં 24 પરમાણુ રિએક્ટર કેન્દ્રો કાર્યરત છે અને અત્યાર સુધી એક પણ મુખ્ય રિએક્ટર બંધ કરવામાં આવ્યું નથી. ભારત પરમાણુ કચરાના પ્રબંધન માટે પોતાની અનીખી 'ક્લોઝ્ડ ફ્યુઅલ સાયકલ' નીતિ પર કામ કરે છે. આ નીતિ હેઠળ વપરાઈ ગયેલા ઇંધણને ફેંકી દેવામાં આવતું નથી, પરંતુ તેને ફરીથી રિસાઈકલ (પુનઃસંસાધિત) કરીને ઉર્જા ઉત્પન્ન કરવા લાયક બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાથી રેડિયોધર્મી કચરાનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે અને બાકી રહેલા કચરાને ઊંડા ભૂગર્ભમાં સુરક્ષિત રીતે સીલ કરી દેવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે જૂના પરમાણુ પ્લાન્ટ્સને હટાવવા અને કચરાને સુરક્ષિત રાખવા પાછળ મોટો ખર્ચ થાય છે. જો કચરાનો યોગ્ય રીતે નિકાલ ન કરવામાં આવે તો તે ભારે ખતરનાક સાબિત થઈ શકે છે, જેના માટે મજબૂત ટેકનોલોજી અને ભંડોળ બંને અનિવાર્ય છે. પારદર્શિતાનો અભાવ અને નબળી દેખરેખ ભવિષ્યમાં ગંભીર પર્યાવરણીય સંકટ ઊભું કરી શકે છે, જેનું ઉત્તમ ઉદાહરણ વર્ષ 1986ની ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના છે. વૈશ્વિક સ્તરે અત્યાર સુધીમાં અમેરિકામાં 40 થી વધુ, બ્રિટનમાં 36, જાપાનમાં 24, ફ્રાન્સમાં 15 અને રશિયામાં 11 પરમાણુ રિએક્ટર કાયમી ધોરણે બંધ થઈ ચૂક્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application