BREAKING NEWS

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ફરી આગ લાગી, 10થી વધુ ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી

  • September 25, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી જાણીતી રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ માર્કેટના ત્રીજા માળે લાગેલી આગે જોતજોતામાં જ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

પ્રાથમિક વિગતો મુજબ, રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટના ત્રીજા માળે આવેલી દુકાનોમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. માર્કેટમાં કાપડનો મોટો જથ્થો ઉપલબ્ધ હોવાને કારણે આગે ક્ષણભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવ બનતાં જ માર્કેટની અંદર હાજર વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવીને તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માનદરવાજા, મજુરા ગેટ સહિતના નજીકના ફાયર સ્ટેશનોમાંથી ૧૦થી વધુ ફાયર સ્ટેશનના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરો દ્વારા ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની સઘન તજવીજ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર ભારે ધુમાડો ફેલાયેલો હોવાથી જવાનોને અંદર પ્રવેશવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, છતાં એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

પ્રાથમિક શક્યતા એવી સેવાઈ રહી છે કે આ ભીષણ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હશે, જોકે આગનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ દુકાનોમાં રહેલો કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ આગના સાચા કારણની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application