BREAKING NEWS

રાજકોટનો લોકમેળો સાયરનોથી ગુંજી ઉઠ્યો: ચકડોળમાં રેસ્ક્યૂ અને આગની ઘટનાઓને પહોંચી વળવા ફાયર વિભાગની મોકડ્રીલ

  • August 31, 2026 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ઐતિહાસિક અને પ્રખ્યાત લોકમેળાની સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળામાં લાખોની જનમેદની ઉમટી પડતી હોવાથી કોઈ અપ્રિય ઘટના કે હોનારત ન સર્જાય તે માટે ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. લોકમેળાના રાઉન્ડમાં અચાનક ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સની દોડધામથી સાયરનો ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે ક્ષણભર માટે લોકોમાં ભારે કૂતુહલ અને દોડધામ મચી ગઈ હતી.

આ દોડધામ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહોતી, પરંતુ ફાયર વિભાગ દ્વારા યોજવામાં આવેલી એક વિશેષ મોકડ્રીલનો ભાગ હતી. મેળામાં રાઈડ્સ અથવા મોટો ચકડોળ અચાનક તાંત્રિક ખામીના કારણે બંધ પડી જાય, ત્યારે તેમાં ઊંચાઈ પર ફસાયેલા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને સુરક્ષિત રીતે કેવી રીતે બહાર કાઢવા (રેસ્ક્યૂ કરવા), તેનું પ્રત્યક્ષ નિદર્શન ફાયર ફાઈટરો દ્વારા કરવામાં આવ્યું હતું. ફાયર ટીમે અત્યાધુનિક સાધનો અને ક્રેન-લેડરની મદદથી હવામાં ફસાયેલા લોકોને સલામત નીચે ઉતારવાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.

આ ઉપરાંત, મેળાના ભીડભાડ વાળા વિસ્તારમાં અચાનક આગ લાગે તો તે સ્થિતિને ઝડપથી અને અસરકારક રીતે કેવી રીતે કાબૂમાં લેવી, તે માટે પણ ફાયર બ્રિગેડ દ્વારા ખાસ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ કટોકટીના સમયે એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીઓ ઓછામાં ઓછા સમયમાં ઘટનાસ્થળે પહોંચી શકે તે માટેના 'રેસ્પોન્સ ટાઈમ'ની ચકાસણી કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ પૂર્વ તૈયારીઓનો મુખ્ય ઉદ્દેશ્ય મેળામાં આવતા લાખો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. મોકડ્રીલ દ્વારા તમામ ઈમરજન્સી ટીમો વચ્ચેનું સંકલન ચકાસવામાં આવ્યું હતું, જેથી લોકમેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો ક્ષણભરના પણ વિલંબ વગર ત્વરિત રાહત અને બચાવ કામગીરી શરૂ કરી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application