BREAKING NEWS

પાટણમાં શંકાસ્પદ દારૂ પીવાથી બે લોકોના મોતથી ચકચાર, SPએ લઠ્ઠાકાંડનો દાવો ફગાવ્યો

  • August 31, 2026 06:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાના થોડા જ દિવસો બાદ હવે પાટણ જિલ્લામાં શંકાસ્પદ દારૂ પીવાના કારણે બે લોકોના મોત થયા હોવાનો બનાવ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના રમેશભાઈ રાવળ અને ઈટોદા ગામના લાભુજી ઠાકોર નામના બે વ્યક્તિઓના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.


પીડિત પરિવારોને સાંત્વના આપવા પહોંચેલા સ્થાનિક ધારાસભ્ય દિનેશ ઠાકોરે આ મુદ્દે પોલીસ પ્રશાસન સામે તીખા પ્રહારો કર્યા છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસની મિલીભગતથી તાલુકાના અનેક ગામોમાં દારૂ, જુગાર અને વર્લી મટકાના ગેરકાયદે અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સ્થાનિકોએ વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત LCBના કોન્સ્ટેબલ કેતન પટેલ પર નેટવર્ક ચલાવવામાં ભૂમિકા હોવાના આક્ષેપ સાથે, ૬-૭ મહિના પહેલા બદલી પામેલા LCB PIને હજુ સુધી છૂટા ન કરાયા હોવાનો મુદ્દો ઉઠાવીને તેમણે ગૃહ સચિવ સુધી રજૂઆત કરી છે.


મૃતક રમેશભાઈના પુત્ર સુમિતભાઈ અને પત્ની ક્રિષ્ણાબેને ભારે હૈયે જણાવ્યું હતું કે, દારૂના સેવનના કારણે જ પરિવારના કમાનાર સભ્યનું અચાનક મોત થયું છે. બુધવારે સાંજે બનેલી આ ઘટનાથી પરિવાર પર આર્થિક અને સામાજિક આભ તૂટી પડ્યું છે. મૃતકના સંતાનોમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો નિરાધાર બન્યા છે. પરિવારે આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી છે કે ગામમાં ચાલતું દારૂનું દૂષણ તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે જેથી અન્ય કોઈ પરિવાર બરબાદ ન થાય.


બીજી તરફ, પાટણ જિલ્લા પોલીસ વડા (SP) વી. કે. નાયીએ મીડિયામાં ચાલી રહેલા લઠ્ઠાકાંડના અહેવાલોને તદ્દન ખોટા અને અફવા સમાન ગણાવીને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જિલ્લામાં કોઈ લઠ્ઠાકાંડ થયો નથી. બંને વ્યક્તિઓના મોત ૪થી ૫ દિવસ પહેલાં અલગ-અલગ ગામોમાં થયા હતા અને તે અંગે પોલીસને કે હોસ્પિટલને કોઈ જાણ કરવામાં આવી નહોતી. વધુમાં, જે ગામોની વાત થઈ રહી છે ત્યાં દારૂ વેચાણ કે કોઈ હિસ્ટ્રીશીટર હોવાની કોઈ રેકોર્ડ પરની હિસ્ટ્રી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application