BREAKING NEWS

વેરાવળમાં ભરબપોરે તુરક સમાજના પ્રમુખ પર ફાયરિંગ, માથાના ભાગે ગોળી વાગી, હોસ્પિટલ બહાર લોકોના ટોળા ઉમટ્યા

  • May 20, 2026 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાં આજે ભરબપોરે કાયદો અને વ્યવસ્થાની ધજ્જિયાં ઉડાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરની વ્યસ્ત ગણાતી આઈ. ડી. ચૌહાણ સ્કૂલ પાસે બપોરે આશરે ૧:૦૦ વાગ્યાના સુમારે અજાણ્યા હુમલાખોરો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાણી પર સરાજાહેર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બપોરના સમયે અચાનક થયેલા ગોળીબારના અવાજથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને ભારે ભયનો માહોલ ફેલાયો હતો. આ લોહિયાળ હુમલામાં જાવીદ તાજવાણીને માથાના ભાગે સીધી ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.


ભત્રીજા પર પણ જીવલેણ હુમલો, હોસ્પિટલે ટોળા ઉમટ્યા

ઘટનાની ગંભીરતા જોતા આસપાસના લોકોએ ગંભીર રીતે ઘવાયેલા જાવીદ તાજવાણીને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર  હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે, ફાયરિંગ કર્યા બાદ પણ હુમલાખોરોનો આક્રોશ શાંત થયો ન હતો અને તેમણે જાવીદ તાજવાણીના ભત્રીજા પર પણ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. સમાજના પ્રમુખ પર આ પ્રકારે ઘાતકી હુમલો થયાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ વેરાવળની હોસ્પિટલ બહાર સ્થાનિક લોકો અને તુરક સમાજના સેંકડો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે

ભરબપોરે થયેલા આ હિંસક હુમલાની જાણ થતાં જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા (SP) જયદીપસિંહ જાડેજાએ પોતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હુમલાખોરોને વહેલી તકે પકડી પાડવા માટે એલસીબી (LCB), એસઓજી (SOG) અને વેરાવળ ડી-સ્ટાફ સહિતની પોલીસની અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને હુમલા પાછળનું ચોક્કસ કારણ અને જૂની અદાવત છે કે કેમ તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application