સાયબર ગઠિયાઓ ગુજરાત સહિત દેશભરમાં લોકોને ડિજિટલ એરેસ્ટ કરી કરોડો રૂપિયા ઉસેડી રહ્યા છે. સાયબર માફિયાઓ ખાસ કરીને વૃદ્ધ, ખેડૂતો અને નિવૃત્ત કર્મચારીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના વડોદરા જિલ્લામાં ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. આ બનાવથી રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામમાં રહેતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ભેજાબાજોએ દિલ્હી એટીએસના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં 40 કરોડ રૂપિયાની છેતરપિંડી અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા.
સતત દબાણ અને ભયના કારણે અતુલભાઈએ સોમવારે વહેલી સવારે પાંચ વાગ્યે ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી થઈ હોવાની શંકા થતાં તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ભેજાબાજે આઈકાર્ડ મોકલી પોતે એટીએસનો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કર્યો હતો. ખેડૂતના મોત બાદ કાયાવરોહણ ગામમાં શોકનો માહોલ છે. પરિવારજનોનું કહેવું છે કે, એટીએસ અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, એતુલભાઈ ખેતી કરતા હતા. ત્રણ દિવસથી તેઓ બેચેન રહેતા હતા. કોઈને કંઈ જ કહેતા નહોતા. અમારા પૂછવા છતાંય એમને કોઈને કંઈ જ કહ્યું નહોતું. એમના મિત્રોએ પણ બહુ પૂછ્યું છતાં તેઓ કઈ બોલવા તૈયાર જ નહોતા. ત્યારબાદ સોમવારે સવારે પાંચ વાગ્યે અતુલભાઈએ દવા પી લીધી હતી. જેથી અમે તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. મંગળવારે સવારે તેમનું મોત થયું હતું. સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે. અમારા પરિવારના સભ્યએ જે પ્રકારે આત્મહત્યા કરી છે તે પ્રકારે કોઈ આત્મહત્યા ન કરે, તેવી લોકોને અમે અપીલ કરીએ છીએ.
વધુમાં જણાવ્યું હતું કે, સાયબર ઠગો દર પાંચ મિનિટે કોલ કરતા હતા. અતુલભાઈને સાયબર ગઠિયાઓ ઘરની બહાર નીકળતા નહીં તેવું કહીને ધમકાવતા હતા. અતુલભાઈ રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા. તે સવારે દસ વાગ્યે અચાનક ઘરે આવી ગયા હતા અને બેંક પાસબુક સહિત લઈને ઘરના ઉપરના પહેલાં માળે જતા રહ્યા હતા. અમે નીચેથી સાંભળ્યું હતું કે, ખાતામાં 40 કરોડનો ફ્રોડ થયો છે, કાર્યવાહી કરાશે. જોકે પછી અતુલભાઈએ પરિવારને બોલાવી કહ્યું હતું કે, દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે. હું ખૂબ ગભરાઈ ગયો છું. એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. સામેથી પાંચ-પાંચ મિનિટે વોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરવામાં આવતો હતો. આથી અતુલભાઈ ડરી ગયા અને ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો.