આફ્રિકન દેશોમાં ફેલાયેલા ખતરનાક ઇબોલા વાઇરસને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજ્યનું આરોગ્ય વિભાગ જ્યારે તકેદારીના પગલાં લઈ રહ્યું છે, તે દરમિયાન જ ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આફ્રિકાના કોંગો દેશમાંથી મુંબઈ થઈને ગુજરાત પહોંચેલા એક ૩૭ વર્ષીય યુવાનમાં ઇબોલા વાઇરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. આ દર્દીને તાત્કાલિક અસરથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેને ખાસ તૈયાર કરાયેલા ઇબોલા આઇસોલેશન વોર્ડમાં ક્વોરેન્ટાઇન કરીને સઘન સારવાર અને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
વડોદરા એરપોર્ટ પર સ્ક્રીનિંગ દરમિયાન તાવના લક્ષણો જણાતા તંત્ર એલર્ટ
મળતી વિગતો અનુસાર, આ ૩૭ વર્ષીય વ્યક્તિ તાજેતરમાં જ કોંગોથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડીને વાયા મુંબઈ થઈને ગુજરાત આવ્યો હતો. વડોદરા એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા સઘન સ્ક્રીનિંગમાં આ યુવાનના શરીરમાં ઊંચા તાવ સહિતના ઇબોલાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. એરપોર્ટ પર તૈનાત મેડિકલ સ્ટાફે પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આ અંગે વાકેફ કર્યા હતા. ત્યારબાદ દર્દીને તાબડતોબ એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ખાસ આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.
પ્રથમ ટેસ્ટ નેગેટિવ આવતા રાહત, પરંતુ વધુ તપાસ અને મોનિટરિંગ ચાલુ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઇબોલા વોર્ડમાં દાખલ કર્યા બાદ તબીબોની વિશેષ ટીમ દ્વારા દર્દીના લોહીના નમૂના લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે આ શંકાસ્પદ દર્દીનો પ્રથમ મેડિકલ ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જણાવાયું છે. જો કે, ઇબોલા વાઇરસના ઇન્ક્યુબેશન પિરિયડ અને સંક્રમણની તીવ્રતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. આથી, પુષ્ટિ કરવા માટે તેના વધુ સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે અને જ્યાં સુધી આગામી રિપોર્ટ ન આવે ત્યાં સુધી દર્દીને કડક ઓબ્ઝર્વેશન હેઠળ આઇસોલેશનમાં જ રાખવામાં આવશે. આ કેસ સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સતર્ક બની ગયું છે.