BREAKING NEWS

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં પાંચ માસુમ બાળકોના મોત

  • July 10, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસે ભારે હાહાકાર મચાવ્યો છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૪ દિવસમાં આ જીવલેણ વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મોતના આંકડાએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. અત્યાર સુધીમાં ચાર શંકાસ્પદ અને એક લેબોરેટરી કન્ફર્મ પોઝિટિવ કેસ સહિત કુલ પાંચ માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. આ ભયાનક પરિસ્થિતિને જોતાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ માટે તાબડતોબ અલગ આઇસોલેશન અને ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, ગત ૨૬ જૂનથી લઈને ૯ જુલાઈ દરમિયાન ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ સાત કેસ દાખલ કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના રિજિયોનલ ઓપરેશન ઓફિસરના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડનારા બાળકોમાં અલગ-અલગ જિલ્લા અને રાજ્યોના દર્દીઓ સામેલ છે. જેમાં બનાસકાંઠાના બનોદરા ગામના એક ત્રણ વર્ષીય બાળકનું મોત થયું હતું, જો કે તેનો લેબ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના બાબારી ગામના એક છ વર્ષીય બાળકનું મોત નીપજ્યાના ત્રણ દિવસ બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.

આ જીવલેણ વાયરસ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ રહ્યો હોવાના સંકેત છે. પંચમહાલ જિલ્લાના વેજલપુર વ્યાસડા ગામની એક ૧૧ વર્ષીય બાળકીનું પણ હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેના સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી ખાતે મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. આ ઉપરાંત અન્ય કેટલાક દર્દીઓ હાલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં સઘન સારવાર હેઠળ મોનિટરિંગમાં રાખવામાં આવ્યા છે.

જિલ્લા આરોગ્ય વિભાગના એપિડેમિક અધિકારીએ આ અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, વડાલી તાલુકાના રહેડા ગામના એક બાળકનું પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે કરુણ મોત નીપજ્યું છે. આ સિવાય, પોશીના તાલુકાના દેમતી ગામના એક બાળકને ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યું હતું. પરંતુ, વાલીઓ બાળકની ગંભીરતા સમજ્યા વિના અને યોગ્ય સારવાર કરાવવાના બદલે હોસ્પિટલમાંથી બાળકને લઈને પલાયન થઈ ગયા હતા. પરિણામે, સમયસર તબીબી સારવાર ન મળવાને કારણે આ શંકાસ્પદ બાળકે પણ જીવ ગુમાવવો પડ્યો છે.

પાછલા ૪૮ કલાક દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ફિચોડ અને નાનાચેખલા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના નવા શંકાસ્પદ કેસો પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત તમામ ચાર ગામોમાં તાત્કાલિક ધોરણે સ્પેશિયલ મેડિકલ ટીમો રવાના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા ગામના પ્રત્યેક ઘરમાં જઈને ઘનિષ્ઠ હેલ્થ સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે, તેમજ તાવ અથવા મગજના સોજા જેવા લક્ષણો ધરાવતા બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ શંકાસ્પદ કેસો અને સેમ્પલની વિગતો દરરોજ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર મોકલવામાં આવી રહી છે, અને ગ્રામીણ વિસ્તારોમાં સેન્ડફ્લાય (રેતાળ માખી) ના નાશ માટે પાવડર ડસ્ટિંગ અને જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરી દેવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application